શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચંપકનગરમાં ગત મંગળવાર રાત્રીના 1.62 કરોડની કિંમતના ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો. ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા રાજકોટ પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે.દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર એસ.ટી બસ સ્ટેન્ડ પરથી એક આરોપીને 40 કિલો ચાંદી સાથે ઝડપી લીધો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિ અને અન્ય એક શખસને ઝડપી લેવા સુરત અને વડોદરામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને પણ ચાંદી ચોરીમાં મહત્વની સફળતા મળી છે.જે ક્રેટા કાર મારફત ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો તે કાર પોલીસે બોટાદ પંથકમાંથી શોધી કાઢી એક શંકાસ્પદ શખસને ઉઠાવી લીધો છે જેની પોલીસ દ્વારા સઘન પૂછતાછમાં સૂત્રધાર દાંતીવાડાનો શખસ હોવાનું સામે આવ્યું છે.પોલીસ આ બનાવનો ભેદ ઉકેલવાની અત્યંત નજીક હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
મૂળ પડધરીના વિસામણ ગામના અતુલભાઇ લીંબાભાઇ બુસાએ પરિચિત બીપીનભાઈના મકાનમાં પેઢી શરૂ કરી હતી.જયાથી ગત મંગળવારે રાત્રીના 50 ટચના અંદાજે 140 કિલો સાકડા જે બોક્સમાં ભરી 11 બોરીમાં રાખ્યા હતા તે ગાયબ હતા જેની કિંમત રૂપિયા 1.62 કરોડ ચોરી થયાનો બનાવ બન્યો હતો.
ચોરીના આ બનાવને લઈ બી.ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ.જે.જાડેજાને બાતમી મળી હતી કે, ગીતામંદિરમાં આવેલી એક મોબાઈલ શોપમાં નોકરી કરતા પ્રદીપ પ્રજાપતિ પાસે ચાંદીનો મોટો જથ્થો આવ્યો છે જે તેને મહેસાણા પહોંચતો કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રદીપ પાસેથી 40 કિલો ચાંદી જપ્ત કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રાજકોટમાંથી ચોરી કરાયેલી ચાંદી પૈકીની આ ૪૦ કિલો ચાંદી હતી.જે મુકેશ પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિ તેને આપી હતી અને મહેસાણા પહોંચતી કરવા માટે સૂચના આપી હતી.
બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને પણ ચાંદીની ચોરીમાં મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અને ભેદી રીતે લાપતા થયેલી ક્રેટા બોટાદ પંથકમાંથી શોધી કાઢી એક શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો. જેને રાજકોટ લવાયા બાદ સઘન પૂછતાછ કરતા ચાંદી ચોરીમાં માસ્ટરમાઈન્ડ તરીકે દાંતીવાડાના શખસનું નામ ખુલ્યું છે. ચાંદી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવાની અણી પર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
મૂળ રાજસ્થાનનો વતની મુકેશ સૂત્રધાર હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ આરોપી પ્રદિપ પ્રજાપતિની પૂછપરછ દરમિયાન એવી હકીકત સામે આવી હતી કે, પ્રદિપ પ્રજાપતિનો મામાનો દિકરો મુકેશ રામારામ પ્રજાપતિ (મુળ રહે, શિરોહી, રાજસ્થાન હાલ રહે, તરસાલી વડોદરા) મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આ શખસ અગાઉ અમદાવાદના રામોલ, ઇસનપુર તેમજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. આ રીઢા ઘરફોડ ચોરે રાજકોટમાંથી ચાંદીની ચોરી કરી તે ચાંદીના દાગીના પૈકી ૪૦ કિલો ચાંદીના દાગીના ભરેલ થેલો સગેવગે કરવા પ્રદિપ પ્રજાપતિને આપી ગયો હતો. આ ચાંદીના દાગીનાનો અન્ય મુદ્દામાલ પણ અમદાવાદ શહેર બુલીયનના ધંધાર્થીને આપેલ હોવાની શંકા છે.