શહેરના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની એડવાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મદિરાપાન થઈ રહ્યાની પોલીસને માહિતી મળતા એલસીબી ઝોન-૨ ની ટીમ શનિવારે રાત્રિના અહીં દરોડો પાડ્યો હતો. હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડાથી શહેરભરમાં ભારે ચકચાર વધી જવા પામી હતી. પોલીસે અહીંથી મહિલાઓ સહિત 76 થી વધુ લોકોના ટેસ્ટ કરાવ્યા બાદ રાજકોટ- મોરબીના ઉદ્યોગપતિઓ સહિત 35 નબીરાઓ અને હોટલ મેનેજર સહિત ત્રણ કર્મચારી મળી કુલ 38 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 11 ખાલી અને ભરેલી દારૂની બોટલો અને પાંચ હુક્કા પણ કબજે કર્યા હતા. હોટલમાં પીરસવા માટે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો સહિતના મુદ્દે હવે માલવિયાનગર પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ડેકોરા ગ્રુપના ચિરાગ અરવિંદભાઈ પટેલનો આગામી તા. 12 નવેમ્બરના જન્મદિવસ હોય પરંતુ તે વખતે દિવાળીનું વેકેશન હોવાના લીધે એડવાન્સમાં શનિવારે રાત્રે સરાઝા હોટલમાં વિક એન્ડ પાર્ટી યોજી હતી જેમાં દારૂ પણ પીરસવામાં આવી રહ્યો હતો. હોટલના બીજા માળે બેન્કવેટ હોલમાં ખુલ્લેઆમ મદિરાપાનની ચાલુ હતું. દરમિયાન રાત્રીના 12:00 વાગ્યા પછી એલસીબી ઝોન-૨ ના પી.એસ.આઇ એસ.વી.ચુડાસમા તથા ટીમને આ માહિતી મળતા અહીં દરોડો પાડતા નાશભાગ મચી ગઈ હતી.
અહીંથી પોલીસે અંગ્રેજી દારૂ સ્કોચ વિસ્કીની ખાલી અને ભરેલી બોટલો મળી કુલ રૂપિયા 17,500 ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. નાની મોટી સાઈઝના 40 ખાલી અને ભરેલા ગ્લાસ મળ્યા હતા. કાઉન્ટરની બાજુની ડસ્ટબીનમાંથી મોકટેલ ના ખાલી ગ્લાસ મળી આવ્યા હતા પાર્ટીમાં હુકાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસે દરોડા પાડ્યા બાદ મોડી રાત્રીના તમામને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ કુલ 38 શખસો નશામાં હોવાનું માલુમ પડતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેમાં એક પણ મહિલાનો સમાવેશ નથી. એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, 38 આરોપીઓ બ્રેથ એનેલાઇઝરમાં જ નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું તે સિવાયની તમામ 33 મહિલાઓ હોટલના સ્ટાફ અને અન્ય તમામને બ્રેથ એનેલાઇઝરની મદદથી ચેક કર્યા હતા જોકે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સરાઝા હોટલની પાર્ટીમાં તમામ ગેસ્ટ, હોટલના સ્ટાફ, ડેકોરેશન, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ કામ કરનાર કુલ 98 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.
હોટલમાં હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પીરસવા માટે દારૂ ક્યાંથી આવ્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા પોલીસ દ્વારા કરવામાં આવી નથી અને હવે આ સમગ્ર પ્રકરણની તપાસ માલવિયાનગર પોલીસને સોંપવામાં આવી છે. શનિવારે રાત્રિના શહેરની જાણીતી હોટલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સહિતનાઓ હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી માણતા ઝડપાતા આ પ્રકરણને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.
નબીરાઓને હોટલ બહાર લવાયા ત્યારે લાઈટ ગુલ, જનરેટર ખરા સમયે જ બંધ
હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે રેડ પડ્યા બાદ શંકાસ્પદ રીતે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. કલાકો બાદ સૌપ્રથમ અહીંથી મહિલાઓને સિવિલ હોસ્પિટલ માટે લઈ જવામાં આવી હતી. પરંતુ ખરા સમયે જ અહીં હોટલમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. હાઈફાઈ હોટલમાં ખરા ટાંકણે જનરેટર પણ શરૂ થયું ન હતું અને અંધારામાં જ તમામ મહિલાઓને અને ત્યારબાદ નબીરાઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં મોટા ઢાંકવા માટે અન્ય વ્યવસ્થા ન થતા હોટલના જ ખુરશીના કવરોથી બુકાની બાંધી બહાર લાવવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા ધારાસભ્યનો ભાઈ ઝડપાયો નામ છુપાવવા માટે ભારે પ્રયાસ કરાયા
સરાઝા હોટલમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટીમાંથી મોરબીની ટાઇલ્સ કંપની વરમોરા સાથે સંકળાયેલા અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો કૌટુંબિક સંબંધી મનીષ પટેલ (વરમોરા) પણ અહીં નશાની હાલતમાં ઝડપાયો હતો. પરંતુ ફરિયાદમાં તેનું નામ મનીષ વલ્લભભાઈ પટેલ તરીકે દર્શાવાયું હોય ધારાસભ્યના ભાઈનું નામ છુપાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
પોલીસ સ્ટેશને નશાખોરોની ભાગાભાગી, પોલીસે મીડિયા પર રોફ જાળ્યો
શનિવારે રાત્રે હાઇ પ્રોફાઈલ દારૂની પાર્ટી ઝડપાયા બાદ રવિવારે રાજકોટ મોરબીના ઉદ્યોગપતિઓ સહિત આ નબીરાઓને તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને જામીનમુક્ત કરવામાં આવ્યા હતા. અહીં કવરેજ માટે મીડિયા કર્મીઓ પણ મોટી સંખ્યામાં હાજર હોય દરમિયાન મીડિયાને જોતા જ મહેફિલમાં ઝડપાયેલા આ નબીરાઓએ મો છુપાવવા માટે દોડ લગાવી હતી. તો બીજી તરફ અહીં કવરેજ માટે ગયેલા મીડિયા કર્મીઓ સામે તાલુકા પોલીસના સ્ટાફે રોફ જાળ્યો હતો.
પોલીસે વાહનો તો ઠીક ફોન પણ કબજે ન કર્યા
હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર એલસીબી ઝોન-૨ ની ટીમે દરોડો પાડ્યા બાદ આશ્ચર્યની વાત એ હતી કે, કલાકો સુધી આ કામગીરી ચાલી ત્યાં સુધી પીઆઇકક્ષાના પણ કોઈ અધિકારી અહીં આવ્યા ન હતા. બાદમાં આ બાબતે ગુનો દાખલ થતા એ વાતની જાણ થઈ હતી કે, પોલીસે આ હાઈ પ્રોફાઇલ પાર્ટી પર દરોડો પાડ્યા બાદ લક્ઝરીયસ કાર તો દૂર રહી પરંતુ મોબાઇલ પણ કબજે કર્યા ન હતા. જ્યારે સામાન્ય કિસ્સાઓમાં જાહેરમાં કે ફ્લેટમાં કોઈ મદિરાપાન કરતું હોય ત્યારે પોલીસ ચોક્કસપણે મોબાઈલ કબજે કરતી હોય છે.
હાઇપ્રોફાઇલ પાર્ટીમાં નશાની હાલતમાં મળી આવેલા ૩૮ શખસો
ચિરાગ અરવિંદભાઈ પટેલ, નીખીલ જમનભાઈ પટેલ, કુણાલ કરણભાઈ અગ્રવાલ, પલવ ધીરૂભાઈ માકડીયા, મનીષ વલ્લભભાઈ પટેલ, હિત અનીલભાઈ પટેલ, સ્મીત મનસુખભાઈ રોજીવાડીયા, રોહીત મગનભાઈ સોનેપરા, કૌશીક પોપટભાઇ રાઠોડ, ઉજાસ જમનભાઈ વાછાણી, ધર્મેશભાઈ રમણીકભાઈ પટેલ, ગૌરવ, અભય નરેન્દ્રભાઈ જાવીયા, સુરજ રજનીકાંતભાઈ કાનાબાર, વિહાન ઉજાસભાઈ વાછાણી, દેવ મિતુલભાઇ કાલરીયા,વીર મિતુલભાઇ કાલરીયા, હાર્દિક કિરીટભાઈ ગઢીયા, જીજ્ઞેશ ભુદરજીભાઈ સંચાણીયા, વિરેન જયકુમાર તલસાણીયા, ગૌરવ ધર્મેશભાઈ વીરડીયા, હાર્દિક અનીલભાઈ ઠકકર, જેનીલ નરેન્દ્રભાઈ નથવાણી, વત્સલ દિપકભાઈ કારીયા,હાર્દિક પ્રફુલચંન્દ્રભાઇ ગોહિલ, ડેનીશ ચંન્દ્રકાંતભાઇ સેજપાલ, ભાર્ગવ ધર્મેશભાઇ પટેલ, જેનીશ દિપકભાઈ વસાણી, સંદિપ પાંચાભાઈ સોરઠીયા, દેવાંશ કમલેશભાઈ શાહ, ગૌરવ ધીરેનભાઈ અજમેરા, કુશ સંજયભાઇ ભડાણીયા, કુશલ લક્ષ્મીદાસ ભાલોડીયા, દિપક અમૃતલાલ કોટક, અક્ષત શકિતભાઈ ગોયલ ઉપરાંત હોટલના મેનેરજર મનપ્રીતસીંગ ધ્યાનસીંગ,હર્ષવર્ધનસીંગ ચૌહાણ અને હિતેન્દ્રસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.