જામનગરમાં મનમાં લાગી આવતા કોલેજિયન યુવતિનો આપઘાત
જામનગરના હવાઈચોક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, હવાઈચોક ભાનુશાળી વાડ, શેરી નંબર-૮માં રહેતી પ્રિયંકાબેન હિતેશભાઈ કનખરા (ઉ.વ.૧૯) કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગત વર્ષે પરીક્ષામાં તેને કેટી આવી હતી. આથી તેના દાદાએ મોબાઇલ ફોન ઓછો જોવા અને વાંચન તથા અભ્યાસમાં વધુ ધ્યાન આપવા સમજાવી ઠપકો આપ્યો હતો.
દાદાની આ વાત યુવતીને મનમાં લાગી આવતાં તેણે ઘરના રસોડામાં છતના પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા હિતેશભાઈ વિનુભાઈ કનખરાએ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.