આ અઠવાડિયે શેરબજારની શરૂઆત શાનદાર રહી છે. ગયા અઠવાડિયાની અસ્થિરતા બાદ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ૩૦ શેર ધરાવતો બીએસઈ સેન્સેક્સ ખુલતાની સાથે જ 1098 પોઈન્ટ વધીને 75,557ના સ્તર પર પહોંચી ગયો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સૂચકાંક પણ ૫૦૭ પોઈન્ટના ઉછાળા સાથે મજબૂત રીતે આગળ વધ્યો હતો. બજારમાં આવેલા આ ઉછાળામાં મુખ્ય ફાળો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો રહ્યો હતો. જે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. જેના શેરમાં ૪.૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
અબજોપતિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બજારની આ તેજીમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં, રિલાયન્સના શેર રૂ.૧,૨૪૧ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે ૬.૭૦ ટકાનો વધારો દર્શાવે છે. દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આવેલા આ ઉછાળાએ સમગ્ર બજારમાં આશાવાદનું વાતાવરણ સર્જ્યું હતું.
આ તેજીને પગલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન (બજાર મૂલ્ય) રૂ.૧૬.૭૭ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. રિલાયન્સના શેરમાં આવેલા આ ઉછાળા પાછળ કંપનીના બીજા ત્રિમાસિક ગાળાના શાનદાર પરિણામો જવાબદાર હતા, જેના કારણે વિવિધ બ્રોકરેજ ફર્મોએ કંપની પ્રત્યે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીએ મજબૂત કામગીરી દર્શાવી હતી, જેમાં 'ઓઈલ-ટુ-કેમિકલ્સ' બિઝનેસ, ડિજિટલ સેવાઓ અને રિટેલ કામગીરીમાં થયેલી વૃદ્ધિનો મુખ્ય ફાળો રહ્યો હતો. રિલાયન્સની એકીકૃત આવક વાર્ષિક ધોરણે ૨૮ ટકા વધીને રૂ.૩.૬૨ લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી છે, જ્યારે ઇબીઆઈટીડીએ ૨૪ ટકા વધીને રૂ.૬૨,૪૦૯ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. કંપનીનો ચોખ્ખો નફો ૩૪ ટકા વધીને રૂ.૨૯,૫૫૦ કરોડ થયો છે.
માત્ર મુકેશ અંબાણીની રિલાયન્સના શેરમાં જ તેજી જોવા મળી એવું નથી; અન્ય લાર્જ-કેપ કંપનીઓના શેરમાં પણ બજાર ખૂલવાની સાથે જ ઉછાળો આવ્યો હતો. નોંધપાત્ર વધારો દર્શાવનારા શેરોમાં ટાટા સ્ટીલ (૪ ટકા), એનટીપીસી (૩.૪૦ ટકા), મારુતિ (૨.૮૦ ટકા), બીઈએલ (૨.૪૦ ટકા) અને એશિયન પેઇન્ટ્સ (૨.૧૦ ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મિડ-કેપ શ્રેણીમાં ડિક્સન (૬.૫૦ ટકા), ફોનિક્સ લિમિટેડ (૩.૪૦ ટકા), ગ્લેનમાર્ક (૨.૮૦ ટકા), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૨.૬૦ ટકા) અને સુઝલોન (૨.૧૦ ટકા)ના શેરોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.