રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે.ચોકમાં બુટલેગર અંકિત શાહ આણી ટોળકીએ આતંક મચાવ્યો હતો. વૃધ્ધનો કાંઠલો પકડી તેની સાથે ઝપાઝપી કરી હતી. જયારે વૃધ્ધાના વાળ પકડી ઢસડયા હતાં. આ શખસોએ આટલેથી ન અટકતા સિમેન્ટના બ્લોક વડે ઘર પર પથ્થરમારો કર્યો હતો. શેરીમાં મઢુલીની દાનપેટીમાં પણ તોડફોડક કરી હતી. પરિણીતાને ફોન પર તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધ્યો છે.
શહેરના ગાંધીગ્રામ શેરી નંબર 3 બાપાસીતારામ મઢુલી એસ.કે.ચોક પાસે રહેતા કાજલબેન મહિપતસિંહ સોલંકી (ઉ.વ.26) નામની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અંકિત શાહ, યશ પટેલ, સાગર ખત્રી ઉર્ફે સાગીના નામ આપ્યા છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અંકિત અને યસ અગાઉ તેમના પતિના મિત્ર હતા. બે દિવસ પહેલા તેમના પતિ અને યશ પટેલ બંને રામ ડેરી વાળી શેરીમાં ઉભા હતા. દરમિયાન પરિણતીના સસરા દિલીપસિંહ સોલંકી ત્યાંથી નીકળતા યશ પટેલે તેમને ધક્કો માર્યો હતો બાદ યશ અવારનવાર ફોન કરી હેરાન પરેશાન કરતો હતો.
ગઇ તા. 31-10 ના રાત્રિના નવેક વાગ્યે આસપાસ પરિણીતા એસ.કે. ચોક ખાતે ઘરવખરીનો સામાન ખરીદવા માટે જતા હતા ત્યારે યશ પટેલનો ફોન આવ્યો હતો અને ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે, તમારા ઘરે ગુંડા મોકલું છું અને ત્રેવડ હોય તમારા પતિને બચાવી લેજો, અમે ફૂલ તૈયારીમાં છીએ ત્યારબાદ પરિણીતાના ઘરે અંકિત શાહ તથા સાગર ખત્રી અને યશ પટેલ આવ્યા હતા. બાદમાં પરિણીતાના સસરા દિલીપસિંહ શેરીમાં મંદિરે પ્રસાદ વહેચતા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ઘરમાં આવી અંકિત શાહે ફરિયાદીના સસરા દિલીપસિંહનો કાઢલો પકડી જ્યારે સાગર ખત્રીએ ફરિયાદીના સાસુ ઉમાબેનના વાળ પકડી ઢસડી કહ્યું હતું કે, તારા દીકરાને બોલાવ. આ સમયે યશ પટેલ બહાર શેરીમાં ઉભો હતો અને પથ્થર શોધતો હતો.
દરમિયાન 112 માં કોલ કરતા 112 અહીં આવી જતા આ ત્રણેય શખસો અહીંથી જતા રહ્યા હતા અને પરિણીતા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા ફરી આ શખસો ફરીયાદીના ઘરે આવ્યા હતા અને ઘર પર સિમેન્ટ બ્લોકના ઘા કરી શેરીમાં રહેલ મઢુલીની દાન પેટીને નુકસાન કરીને જતા રહ્યા હતા. જે અંગે પરિણીતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ત્રણેય શખસો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આરોપીઓ પૈકી અંકિત શાહ જે માધાપર ચોકડી પાસે રહે છે તે અગાઉ દારૂના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.