BREAKING NEWS

ગુજરાતના નિર્ભયાકાંડમાં કુદરતનો ચુકાદો: ફાંસીની સજા પામેલા દોષિતનું હાર્ટ એટેકથી મોત, જાણો 10 વર્ષની બાળકી સાથે શું થયું હતું?

  • November 02, 2026 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં ૧૦ વર્ષીય માસૂમ બાળકી સાથે આચરાયેલા અમાનવીય દુષ્કર્મ અને હત્યાના ચર્ચાસ્પદ કેસમાં દોષિત ઠરેલા વિજય પાસવાનનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪માં બનેલી આ હૃદય કંપાવનારી ઘટના બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 8 દિવસ સુધી મોત સામે ઝઝૂમીને માસૂમ બાળકીએ દમ તોડ્યો હતો. આ કેસમાં અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી વિજય પાસવાનને 'રેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણાવીને ફાંસીની સજા ફટકારી હતી.

જાણો શું હતી આખી ઘટના

ગત 16 ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના શ્રમિક પરિવારની 10 વર્ષીય માસૂમ બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન, આરોપી બાળકીને એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા અને બચવા માટે આરોપીએ માસૂમ બાળકીની નિર્મમ હત્યા કરી નાખી હતી.


પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી 

બાળકી ઝઘડિયા GIDC નજીકના ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાંથી ગંભીર અને બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ૮ દિવસની લાંબી સારવાર છતાં તેનું અવસાન થયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર ઝઘડિયા અને ભરૂચ જિલ્લામાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લીધો હતો.


વિજય પાસવાનને ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો

પોલીસે આરોપી સાથે ઘટનાસ્થળે 'ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન' કર્યું હતું અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તથા મેડિકલ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસને આ કેસ સ્પીડી ટ્રાયલ કોર્ટમાં ચલાવવાનો નિર્ણય કર્યો હતો. સરકારી વકીલે કેસને 'રેસ્ટ ઓફ ધ રેર' કેટેગરીમાં મૂકવાની રજૂઆત કરી હતી. ફેબ્રુઆરી ૨૦૨૫માં શરૂ થયેલી ટ્રાયલ બાદ મે ૨૦૨૫ના પહેલા અઠવાડિયામાં અંકલેશ્વર સેશન્સ કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી વિજય પાસવાનને ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.


આરોપીની પત્નીએ સવાલો ઉઠાવ્યા હતા

બીજી તરફ, મૃતક દોષિત વિજયની પત્ની બબીતા દેવીએ સયાજી હોસ્પિટલમાં નિવેદન આપતા દાવો કર્યો છે કે આ કેસમાં તેમના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને અસલ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારે ન્યાયિક પ્રક્રિયા અને જેલ સત્તાવાળાઓ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે શંકાસ્પદ સંજોગોમાં થયેલા આ મૃત્યુ મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application