ગાંધીગ્રામમાં રહેતા અને કિશાનપરા ચોક પાસે મઢુલી રેસ્ટોરન્ટ ધરાવતા યુવકે, મવડીના 40 ફૂટ રોડ પર રહેતા યુવકે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી પાવડર પી લેતા સારવાર દરમિયાન દમ તોડી દીધો છે, જયારે ગાયત્રીનગરમાં રહેતા પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી એસિડ પી લેતા સારવારમાં મૃત્યુ નીપજ્યું છે.
લાખના બંગલા પાસે આવેલી રઘુનંદન સોસાયટી શેરી નંબર-3માં રહેતા અજયભાઈ નરોતમભાઈ પૂર્વવૈરાગી (ઉં.વ. 39) એ શનિવારે બપોરે આશરે ચારેક વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફતે ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતકના બનેવી જયદીપભાઈના જણાવ્યા અનુસાર, અજય કિશાનપરા ચોક પાસે મઢુલી નામનું રેસ્ટોરન્ટ ચલાવતો હતો. સંતાનમાં એક પુત્ર છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવાર પણ અજાણ છે. ગાંધીગ્રામ પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડી ૪૦ ફુટ રોડ પટેલનગર પાસે આવેલી મુરલીધર સોસાયટીમાં રહેતાં પ્રકાશભાઇ વલ્લભદાઇ ગોંડલીયા (ઉ.વ.૪૦) ના યુવકે તા ૩૧ના બપોરે ઘરે હતા ત્યારે સેલ્ફોસનો ઝેરી પાવડર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર પ્રકાશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રકાશભાઇ અગાઉ દુબઇ ખાતે રીફાઇનરીમાં નોકરી કરતાં હતાં. પણ કોરોનાની બીમારી થતા તબિયત સારી રહેતી ન હોવાથી કંપનીમાંથી રીજેક્ટ કરી દેતા પરત રાજકોટ આવી ગયા હતા અને બાદમાં શેર બજારમાં રોકાણ કર્યું હોય પરંતુ તેમાં પણ નાણાં ગુમાવી દેતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને કોઈ કામકાજ પણ નહતું. આથી ચિંતામાં આવી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ગાયત્રીનગર 4/10ના ખૂણે રહેતા ભાવનાબેન કિરીટભાઈ સાંચલા (ઉ.વ.64)નામના પ્રૌઢા રવિવારે ઘરે હતા ત્યારે એસિડ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તબિયત વધુ બગડતા ફરી સિવિલમાં લાવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે, પતિ હયાત નથી, છેલ્લા કેટલાક સમયથી માનસિક સ્થિતિ બરાબર ન હોય તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે ઘરે હતા ત્યારે મગજ ભમતા એસિડ પી લીધાનું સામે આવ્યું છે. બનાવ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પુનિતનગર કર્મચારી સોસાયટીમાં રહેતા 38 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ચોથા આપઘાતના બનાવમાં ગોંડલ રોડ પર પુનિતનગર પાછળ કર્મચારી સોસાયટીમાં રહેતા દીપ્તિબેન શ્રીરામભાઈ દેવમુરારી (ઉ.વ.38)એ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મકારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારના કહેવા મુજબ આપઘાત કરનાર દીપ્તિબેનને ચાર સંતાનો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ યથાવત રાખી છે.