BREAKING NEWS

વડોદરામાં રૂ. 10 કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાંચ સામે ગુનો

  • November 03, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા શહેરમાં પ્રોપર્ટી ખરીદવાના નામે નાગરિકો સાથે ઠગાઈ આચરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાના હરણી-સમા લિન્ક રોડ તેમજ અન્ય વિસ્તારોમાં 'એસપી ઈન્ફ્રા' નામે મકાનો, દુકાનો અને સ્કીમો મૂકીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે. આ મામલે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયા, તેના પુત્ર અને ત્રણ ભાઈઓ સહિત કુલ પાંચ શખસો સામે વધુ બે ફરિયાદો નોંધાઈ છે, જેને પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભારે ચકચાર મચી ગઈ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાના રતનપુર વિસ્તારમાં રહેતાં જ્યોતિકાબેન પટેલે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં હરણી-સમા લિંક રોડ પર એસપી ઈન્ફ્રાના ભાગીદારો દ્વારા મૂકવામાં આવેલી સ્કીમમાં તેમણે દુકાનો, ફ્લેટ્સ અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીન માટે મોટું રોકાણ કર્યું હતું. આરોપ છે કે આરોપીઓએ રોકાણકાર મહિલાની જાણ કે સંમતિ વગર તેમની ખોટી સહીઓ કરી હતી અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને અગાઉથી બૂક કરાવેલી પ્રોપર્ટી અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિઓને વેચી દીધી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેમણે રોકાણ કરેલા કુલ રૂ. ૬.૬૬ કરોડ લેવાના થાય છે, પરંતુ આરોપીઓએ આજદિન સુધી ન તો નાણાં પરત આપ્યા છે કે ન તો પ્રોપર્ટીનો કબજો સોંપ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે બાનાખત પણ એકતરફી રદ કરાવી દીધા હતા.


આ જ પ્રકારે અન્ય એક બનાવમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા ચંદુપુર ગામના રહેવાસી ચંદ્રકાંત પટેલે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે પણ સુરેશ પાનસૂરિયા અને તેના પરિવારની પ્રોપર્ટી સ્કીમમાં મોટું રોકાણ કર્યું હતું, પરંતુ સમય વીતી જવા છતાં તેમને ન તો તેમના રોકાણના રૂ. ૩.૩૨ કરોડ પરત મળ્યા છે કે ન તો ખરીદેલી પ્રોપર્ટી મળી છે. આમ, આ બંને ફરિયાદોના આધારે રોકાણકારોના કુલ મળીને આશરે રૂ. ૧૦ કરોડ જેટલી માતબર રકમ ફસાઈ હોવાનું સામે આવ્યું છે.


આ છેતરપિંડી અને વિશ્વાસઘાતના પ્રકરણે વડોદરાની હરણી પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદોને ગંભીરતાથી લઈને અલગ-અલગ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં એસપી ઈન્ફ્રાના મુખ્ય ભાગીદારો તરીકે જે પાંચ શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સુરેશ પાનસુરિયા ઉપરાંત મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયાનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ સમગ્ર નેટવર્ક અને અન્ય કોઈ નાગરિકો આશિક કે આર્થિક ઠગાઈનો ભોગ બન્યા છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application