BREAKING NEWS

નાયકની સ્ટાઈલમાં રાજકોટ મેયરની જન્મ-મરણ નોંધણી બ્રાન્ચમાં ચેકિંગ, જાણો અધિકારીને બોલાવી શું કહ્યું?

  • May 29, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત મેયર ડો.નેહલ શુક્લ આજે સવારે કચેરી સંકુલમાં પ્રવેશ્યા ત્યારે જન્મ મરણ નોંધણી શાખા બહાર અરજદારોની લાંબી લાઇનો નિહાળીને ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓ મેયરની ખુરશી ઉપર બેસવાને બદલે હિન્દી ફિલ્મ નાયક-ધ રિયલ હીરોના અભિનેતા અનિલ કપુરની સ્ટાઇલથી સીધા જ સિવિક સેન્ટરમાં આવેલી જન્મ મરણ નોંધણી બ્રાન્ચમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. બ્રાન્ચમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સાથે અરજદારોને મળી તેમની સમસ્યા સાંભળી હતી તેમજ સ્ટાફની પૂછપરછ કરી તેમની સમસ્યા પણ સાંભળી હતી. એસી ચેમ્બરમાં જ બેસી રહેતા અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી સ્થળ ઉપર જ રહેવા તાકિદ કરી હતી.


મેયર ડૉ.નેહલ શુક્લ દ્વારા જન્મ મરણ વિભાગ સંભાળતા ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીને તાત્કાલિક સિવિક સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સ્થળ ઉપર જ રહેવાની સુચના આપવામાં આવી હતી. રાજકોટ મહાપાલિકાના નવ નિયુક્ત મેયર ડૉ.નેહલ શુક્લએ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર ખાતે જન્મ-મરણ વિભાગની મુલાકાત કરી. મુલાકાત દરમ્યાન જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લોકોને પડતી હાલાકી અને લાંબી કતારો બાબતે સમીક્ષા કરી હતી.


ઉપરોક્ત મુલાકાત દરમ્યાન મેયર ડૉ.નેહલ શુક્લ દ્વારા જન્મ મરણ વિભાગ સંભાળતા ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીને તાત્કાલિક સિવિક સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને અરજદારો માટે વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સ્થળ ઉપર જ રહેવાની સુચના આપવામાં આવી હતી.


હાલ, જન્મ-મરણના દાખલામાં કેન્દ્ર સરકારનાં નિયમ મુજબ સુધારા કરવા માટે નવા નિયમો લાગુ પડેલ છે તેમજ કેન્દ્ર સરકારના ઓનલાઈન પોર્ટલ દ્વારા જ આ સમગ્ર કામગીરી થતી હોઈ, આ સમગ્ર કાર્યવાહીમાં લોકોને હાલાકી ન પડે તે માટે ઉપરોક્ત જણાવેલ તમામ સુવિધાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ તાત્કાલિક કરવા માટે લગત અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી.


આ સ્થળ મુલાકાત દરમ્યાન કોર્પોરેશનના નવ નિયુક્ત પદાધિકારી મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પિપળીયા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા તેમજ ડી.એમ.સી. સી.કે.નંદાણી તથા લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


તત્કાલ ચાર સુવિધા શરૂ કરાવી 

૧.પીવાના પાણીની સુવિધા

૨.લાઇનમાં ઉભેલાં દરેકને બેસવા માટે ખુરશી

૩. અરજદારો માટે હેલ્પ ડેસ્ક

૪. દાખલા માટે ટોકન સિસ્ટમ

૫. વોટર કુલરમાં પાણી ખલાસ થઇ જાય તો કેરબા મંગાવવાના, કૂલરની ડેઇલી સફાઈ કરવી


આટલા આદેશો જારી કર્યા

૧. સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ સુધી દાખલાની કામગીરી કરવાની

૨. અરજદારોની ઓછામાં ઓછી લાઇન લાગે તે માટે શું કરવું ? તેનું પ્લાનિંગ કરી રિપોર્ટ કરવો

૩. કોમ્પ્યુટર ઓપરેટર સહિતના સ્ટાફમાં તેમજ પ્રિન્ટર સહિતની મશીનરી જરૂર મુજબ વધારવી

૪. કઇ સુવિધા ઘટે છે કે જેનો ઉમેરો કરવાથી લાઇન ભુતકાળ બને તેનું લિસ્ટ આપો

૫. શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાને જન્મ મરણ નોંધણી વિભાગમાં ડેઇલી ચેકિંગની જવાબદારી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application