ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ રજૂ કરીને રાજ્યમાં સમાન નાગરિક કાયદા તરફ એક મક્કમ ડગલું ભર્યું છે. આ બિલને રજૂ કરતી વખતે મુખ્યમંત્રીએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી અને ગુજરાતની સાંસ્કૃતિક તેમજ ભૌગોલિક વિવિધતાને ધ્યાનમાં રાખીને આ કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
બિલ રજૂ કરતા પહેલા મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 8,932 દિવસ પૂર્ણ કરીને એક ઐતિહાસિક માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. લોકોના અતૂટ વિશ્વાસ અને સમર્પણ સાથે તેઓ એક પણ રજા પાડ્યા વગર દેશની સેવા કરી રહ્યા છે, તે બદલ સમગ્ર ગુજરાતની જનતા વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ કોઈ ચોક્કસ જાતિ કે ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ તે દરેક નાગરિકને સમાન અધિકાર અને સમાન ન્યાય આપવા માટે છે. આ બિલમાં ખાસ કરીને મહિલાઓના અધિકારો, હક અને તેમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકતના વિષયોમાં એક સરખું અને કલ્યાણકારી માળખું અમલી બનશે, જેમાં ક્યાંય પણ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.
18 માર્ચે કેબિનેટમાં ચર્ચાયેલા યુસીસીના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. એકથી વધદુ લગ્ન કરનારને ચાર વર્ષની કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. નોંધણી નહીં કરાવનાર સામે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્યમાં લીવ-ઈન રિલેશનશિપનું પણ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય બનશે, જેથી સામાજિક પારદર્શિતા જળવાય. મિલકતના હકમાં હવે દીકરા અને દીકરી બંનેને સમાન અધિકાર પ્રાપ્ત થશે, જે સ્ત્રી સશક્તિકરણની દિશામાં મોટું પગલું છે.
ગુજરાત સરકારના મતે, આ બિલ માત્ર કાયદો નથી પરંતુ સામાજિક સમરસતા સ્થાપિત કરવાનું એક માધ્યમ છે. વિવિધ નિષ્ણાતો અને તમામ પાસાઓ પર લાંબી ચર્ચા કર્યા બાદ આ ડ્રાફ્ટ તૈયાર થયો છે. આ કાયદાથી કાયદાકીય ગુંચવણો દૂર થશે અને નાગરિકોના વ્યક્તિગત વિવાદોમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે.મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ બિલ ગુજરાતના વિકાસ અને સામાજિક એકતામાં પાયાનો પથ્થર સાબિત થશે. સરકારનો હેતુ છે કે દરેક નાગરિકને એક સમાન કાયદાકીય છત્ર મળે અને કોઈ પણ વર્ગ સાથે અન્યાય ન થાય.
આ બિલમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો.