BREAKING NEWS

રાજકોટ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીઃ દારૂની વ્યવસ્થા પોતે જ કરી હોવાનું ચિરાગ પટેલનું રટણ

  • November 03, 2026 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની એડવાન્સ ઉજવણી નિમિત્તે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર એલસીબીની ટીમે દરોડો પાડી નશાની હાલતમાં 38 લોકોને ઝડપી લીધા હતા. આ પ્રકરણને લઇ શહેરભરમાં ભારે ચકચાર મચી છે. સ્થાનિક પોલીસ સામે પણ આક્ષેપો થતાં સમગ્ર ઘટનાની તપાસ માલવિયાનગર પોલીસને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન પાર્ટીના આયોજક ચિરાગ પટેલે પોતે જ પાર્ટીનું આયોજન કર્યું હોવાનું અને તેમાં પીરસવા માટે દારૂ પણ પોતે જ લાવ્યો હોવાનું નિવેદન આપ્યું છે.


શનિવારે રાત્રે એલસીબી ઝોન-2ની ટીમે સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડી 38 લોકોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા. આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી હતી. દારૂની પાર્ટી અંગે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતાં સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે તેની જવાબદારી માલવિયાનગર પોલીસને સોંપવામાં આવી હતી.


માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ. કૈલાની રાહબરી હેઠળ ટીમે તપાસ આગળ ધપાવી છે. પોલીસે ડેકોરા ગ્રુપના ચિરાગ અરવિંદભાઈ પટેલની પૂછપરછ કરતાં પાર્ટીનું આયોજન પોતે જ કર્યું હોવાનું જણાવ્યું હતું. અગાઉ રાજસ્થાનના ઉદયપુર, નાથદ્વારા સહિતનાં શહેરોમાં ફરવા ગયો હતો ત્યારે ત્યાંથી દારૂની ૯ બોટલ લાવ્યો હોવાનું તેમજ અન્ય બે બોટલ પોતાના પિતરાઇ ભાઇ ગૌરવ પાસેથી મેળવી હોવાનું નિવેદન આપ્યું હતું.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આ પ્રકરણમાં આજે સરાઝા હોટલના મેનેજરનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. મેનેજરે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણ થતાં તે કોઈને જાણ કરે તે પહેલાં જ પોલીસ આવી પહોંચી હોવાનું રટણ કર્યું હતું. આગામી દિવસોમાં હોટલના અન્ય સ્ટાફ ઉપરાંત પાર્ટીમાં ડેકોરેશન, ડી.જે અને ફોટોગ્રાફી માટે આવેલા વ્યક્તિઓનાં પણ નિવેદનો લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application