BREAKING NEWS

રાજકોટમાં સાતસો રુપેડીની ઉઘરાણીમાં બે જૂથ બાખડી પડ્યા, બેને ઇજા; રાત્રે તોપખાના વિસ્તાર માથે લીધો

  • May 27, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના મોરબી હાઉસ નજીક તોપખાના વિસ્તારમાં રાત્રીના સમયે બે જૂથ વચ્ચે છરી-ધોકા સાથે બઘડાટી બોલતા બંને પક્ષના બે વ્યક્તિને ઇજા થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને તોપખાના વિસ્તાર માથે લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો. માથાકૂટ રૂ.700 ની ઉઘરાણી પ્રશ્ને થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે બે મહિલા સહીત 10 વ્યક્તિ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે તોપખાના વિસ્તારમાં રહેતો દેવરાજ ગોપીભાઇ ગોરી (ઉ.વ.૨૪)નો રાત્રિના આશરે સાડા અગીયાર વાગ્યાની આસપાસ ઘર પાસે બેઠો હતો ત્યારે તેના કાકાનો દીકરો હાર્દિક સુભાષભાઈ ગોરી દોડીને આવી કહ્યું હતું કે, વિસ્તારમાં રહેતો સચિન મુન્નાભાઈ જેઠવા મળ્યો હતો અને મને કહેતો હતો કે, તારા કાકાના દીકરા પાસેથી રૂ.700 બે મહિનાથી માગું છું એ આપતો નથી. તું એને કહેજે પૈસા આપી દે નહીંતર બધાને મારી નાખીશ. આ વાત કરતા દેવરાજ તેનો ભાઈ અભિષેક, હાર્દિક તથા ધાર્મિક વાઘેલા અને જયદીપ નૈયા સચિન બાપાસીતારામના ઓટલે બેઠો હતો ત્યાં ગયા હતા અને બધાને જોઈ સચિન ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી નેફામાંથી છરી કાઢી હુમલો કરતા દેવરાજને હાથના ભાગમાં છરી લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું, ત્યાં રહેલા તેનાભાઈ યુવરાજે લોખંડનો પાઇપ કાઢી આડેધડ મારમારવા લાગતા યુવકને હાથના ભાગે ઈજાઓ થઇ હતી. દેકારો થતા યુવરાજના સસરા જીતેન્દ્રભાઈ તથા સાસુ અલ્કાબેન તથા સચિનના મમ્મી ભાનુબેન ત્યાં આવી જતા આ બધાએ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. હુમલામાં યુવકને ઇજા થતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદ ઉપરથી સચિન ભીખુભાઈ ઉર્ફે મુન્ના જેઠવા તેના માતા ભાનુબેન ભીખુભાઇ જેઠવા, સચિનના ભાઈ યુવરાજના સસરા જીતેન્દ્ર અને તેની પત્ની અલ્કાબેન જીતેન્દ્ર સામે પ્ર.નગર પોલીસે બીએનસી કલમ 115(2),118(1), 351(3),352,189(2), 189(4), 191(2), સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


જયારે વળતી ફરિયાદમાં સચીનભાઈ ભીખુભાઇ જેઠવા (ઉ.વ.૨૮)એ અભિષેક ગોરી, હર્ષ પાટડીયા, ગોપી ગોરી, હાર્દિક ગોરી અને દેવેન ગોરીના નામ આપ્યા છે, ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘર પાસે આવેલ બાપા સીતારામના ઓટલે બેઠો હતો ત્યારે હર્ષ પાટડીયા તેના ભાઈઓ સહીત સાથે આવ્યો હતો અને ઝગડો કરી તેની સાથે રહેલા અભિષેક ગોરીએ તારે સેના રૂપીયા લેવાના છે? કહી ઉશ્કેરાઈ બોલાચાલી કરવા લાગ્યો હતો દરમિયાન ગોપીએ માથામાં લોખંડનો પાઇપ માર્યો હતો જયારે અન્યોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. પોલીસે સચિનની ફરિયાદના આધારે પાંચેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

બનાવના પગલે હોસ્પિટલમાં પણ બંને જૂથ સામસામે આવી જતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે બે મહિલા સહીત 10 વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application