BREAKING NEWS

સુરતમાં મોબાઈલની લતે લીધો બાળકીનો ભોગ: માતાએ ફોન આપવાની ના પાડતા ધોરણ-6ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

  • September 13, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ અને તેની ઘાતક અસરો કયા હદે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે, તેનો વધુ એક અત્યંત કરુણ અને હચમચાવી દેતો કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતી અને ધોરણ-૬માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય માસૂમ વિદ્યાર્થિની રોલીએ ગઈકાલે એટલે કે ૧૨ સપ્ટેમ્બરના રોજ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે કે મૃતક રોલીને સ્માર્ટફોન અને મોબાઈલ સતત જોવાની ભારે કુટેવ પડી ગઈ હતી. ઘટનાના દિવસે બપોરના સમયે પણ તેણે પોતાની માતા પાસે મોબાઈલ ફોનની ભારે જીદ કરીને માગણી કરી હતી, પરંતુ તેની માતાએ અભ્યાસ અને કુટેવને ધ્યાને રાખીને ફોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને પોતાની સાથે કામ પર લઈ ગયા હતા. માતા દ્વારા ફોન ન આપવાની આ વાતનું માસૂમ બાળકીએ પોતાના મનમાં ખોટું માઠું લગાવી લીધું હતું અને આ અંતિમ તેમજ ખૌફનાક પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે વરાછા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના વતની એવા વિજયભાઈ કુષ્વાહ હાલ સુરતના વરાછા ખાતે પોતાના પરિવાર સાથે રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી વિજયભાઈ કડિયાકામ કરીને પોતાની પત્ની, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ઘરના આર્થિક ભરણપોષણમાં ટેકો મળે તે હેતુસર તેમની પત્ની પણ ઘરની નજીક આવેલા હોટ ફિક્સના ખાતામાં મજૂરી કામ કરવા માટે જાય છે. દંપતીના સંતાનોમાં સૌથી મોટી ૧૧ વર્ષીય પુત્રી રોલીએ અગાઉ પોતાના વતનમાં જ ધોરણ-૫ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલ તે સુરતમાં રહીને ધોરણ-૬માં ભણી રહી હતી.

ઘટનાના દિવસે બપોરના સમયે માતા પોતાના નાના પુત્રને સાથે લઈને કામ પર ગઈ હતી, જ્યારે રોલીની બંને નાની બહેનો ઘરની બહાર આવેલા ઓટલા પર રમી રહી હતી. આ સમયનો લાભ લઈને એકાંત મળતા રોલીએ અંદરથી પોતાના ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ કપડાં સૂકવવાની લોખંડની દોરી સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર પછી બહાર રમી રહેલી નાની બહેનોને ભૂખ લાગતાં તેઓ ઘરના દરવાજે પહોંચી હતી અને દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી અંદરથી કોઈ પ્રત્યુત્તર ન મળતા અને દરવાજો ન ખૂલતા નાની બાળકીઓ ગભરાઈને રડવા લાગી હતી.

આ દરમિયાન માતા જ્યારે પોતાનું કામ પતાવીને પરત ઘરે પહોંચી, ત્યારે તેમણે નાની બાળકીઓને રડતી જોઈને આશ્ચર્ય અનુભવ્યું હતું. ઘરનો દરવાજો અંદરથી સંપૂર્ણપણે બંધ હોવાથી આસપાસના પડોશીઓ અને લોકોની મદદ લઈને દરવાજો તોડી કે ખોલીને અંદર જોતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રોલી ઘરની અંદર ફાંસો ખાધેલી હાલતમાં લટકતી નજરે પડી હતી. પરિવારજનો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને તેને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ માસૂમ રોલીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ અત્યંત દુઃખદ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સઘન તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application