પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન ધામમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણ માસના પ્રારંભથી લઈને પૂર્ણાહુતિ સુધી સોમનાથ તીર્થમાં દેશ-વિદેશમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓનો સતત પ્રવાહ જળવાઈ રહ્યો હતો. ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગુંજતા નાદથી સમગ્ર સોમનાથ ધામ શિવમય બની ગયું હતું. આ વર્ષે માત્ર દર્શનાર્થીઓની સંખ્યામાં જ નહીં, પરંતુ સોમનાથ મહાદેવની વિવિધ ધાર્મિક સેવાઓ, પૂજા-અર્ચના અને અનુષ્ઠાનોમાં પણ નોંધપાત્ર અને અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કુલ ૨૨,૬૧,૫૯૭ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન ૧૬,૧૭,૧૬૨ ભક્તોએ દર્શન કર્યા હતા, જેની સરખામણીએ આ વર્ષે ૬,૪૪,૪૩૫ વધુ દર્શનાર્થીઓ સોમનાથ ધામે પહોંચ્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવાર, જન્માષ્ટમી પર્વ અને જાહેર રજાના દિવસોમાં સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
શ્રાવણ માસના ચાર સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પહેલા સોમવારે ૧,૬૪,૧૬૬, બીજા સોમવારે ૧,૪૨,૧૦૦, ત્રીજા સોમવારે ૮૭,૩૭૧ અને ચોથા સોમવારે ૧,૬૬,૮૦૨ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
પવિત્ર શ્રાવણ દરમિયાન આવેલ જન્માષ્ટમી પર્વે પણ સોમનાથ તીર્થમાં વિશાળ જનમેદની ઉમટી હતી. જન્માષ્ટમીના એક જ દિવસમાં ૧,૭૨,૭૫૫ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના શરણમાં શીશ નમાવ્યું હતું. તહેવારના આ પવિત્ર દિવસો દરમિયાન લાખો ભક્તોએ સોમનાથના દિવ્ય વાતાવરણમાં આધ્યાત્મિક અને ધાર્મિક અનુભૂતિ કરી હતી.
સોમનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ અને પૂજનની પરંપરા પ્રત્યે પણ શ્રદ્ધાળુઓમાં ઊંડી આસ્થા જોવા મળી છે. ગત વર્ષે શ્રાવણ માસમાં ૮૦૧ ધ્વજા પૂજા થઈ હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને ૧,૧૦૯ પર પહોંચી છે, જે ૩૦૮નો વિશેષ વધારો દર્શાવે છે. આ ઉપરાંત, સોમેશ્વર પૂજામાં પણ ૧૯૪ પૂજાનો વધારો નોંધાયો છે. ગત વર્ષની ૧,૨૦૦ સોમેશ્વર પૂજા સામે આ વર્ષે ૧,૩૯૪ પૂજા સંપન્ન થઈ હતી.
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યાનુસાર, શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ૪૩,૪૩,૦૦૦ મહામૃત્યુંજય જાપ અને ૩૮,૦૧,૫૦૦ સંપૂર્ણ મહામૃત્યુંજય જાપ નોંધાયા હતા. આ ઉપરાંત ૮,૭૭૫ રુદ્રાભિષેક પાઠ, ૪,૦૩૧ ગંગાજળ અભિષેક, ૨,૯૧૯ બ્રહ્મભોજન અને મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યો ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યા હતા.
શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ સોમનાથ તીર્થમાં ભક્તિમય માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. સોમનાથમાં નોંધાયેલા આ આંકડા માત્ર ભક્તોની સંખ્યાનો વધારો નથી, પરંતુ દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓની સોમનાથ મહાદેવ પ્રત્યેની અડગ આસ્થા અને અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતિબિંબ છે.