BREAKING NEWS

વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે રૂ.100 કરોડના મીડિયા ફંડની જાહેરાત કરી

  • September 13, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના જાણીતા ગાયક, સંગીતકાર, પર્ફોર્મર અને નિર્માતા પાર્થિવ ગોહિલ તથા અભિનેત્રી-નિર્માતા માનસી પારેખે રૂ.100 કરોડના ઓરેન્ડા મીડિયા ગ્રોથ ફંડની શરૂઆતની જાહેરાત કરી છે. આ ફંડ પ્રીમિયમ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ વેન્ચર્સ, આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મો, પ્રતિષ્ઠિત પ્રોડક્શન્સ અને વૈશ્વિક સ્તરે રજૂ કરી શકાય તેવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ જાહેરાત Venice Film Festival દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ફંડની સ્થાપક ટીમે તેની શરૂઆતની ત્રણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોની પણ જાહેરાત કરી હતી. આ ફંડ પાર્થિવ ગોહિલની ત્રણ દાયકાથી વધુ લાંબી સર્જનાત્મક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. સંગીત, ફિલ્મ નિર્માણ અને વાર્તાકથનના તેમના અનુભવને હવે વૈશ્વિક રોકાણના વિઝન સાથે જોડવામાં આવી રહ્યો છે.

ઓરેન્ડા ગ્રુપ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા તરુણ શાહના નેતૃત્વ હેઠળનું મલ્ટી-સેક્ટર હોલ્ડિંગ પ્લેટફોર્મ, આ ફંડનું સ્ટ્રક્ચરિંગ અને મેનેજમેન્ટ કરશે. તરુણ શાહ હાલમાં 120 મિલિયન ડોલરના ફંડનું સંચાલન કરી રહ્યા છે.

પાર્થિવ ગોહિલ માટે આ પહેલ ત્રણ દાયકાથી વધુ લાંબી સર્જનાત્મક યાત્રાનું સ્વાભાવિક વિસ્તરણ છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને ગુજરાતી લોકસંગીતથી લઈને બોલિવૂડ પ્લેબેક, મોટા પાયાના લાઇવ પર્ફોર્મન્સ, ફિલ્મ નિર્માણ અને વાર્તાકથન સુધીની તેમની સફરે હવે ભારત અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે જોડાઈ શકે તેવી વાર્તાઓનું સર્જન, સંવર્ધન અને તેમાં રોકાણ કરવાની વિશાળ દિશા ધારણ કરી છે.


ત્રણ આંતરરાષ્ટ્રીય ફિલ્મો સાથે શરૂઆત

Orenda Media Growth Fundની શરૂઆતની ફિલ્મો અલગ-અલગ શૈલી, ભૂગોળ અને વાર્તાકથનની પરંપરાઓને આવરી લે છે.

આ ત્રણ ફિલ્મોમાં સામેલ છે

નંદા દેવી – હિમાલયની પૃષ્ઠભૂમિ પર આધારિત હાઈ-કન્સેપ્ટ આંતરરાષ્ટ્રીય મિસ્ટ્રી થ્રિલર.

લક્ષ્મણ – એક એવા યુવાન છોકરાની પ્રેરણાદાયી કહાની, જે ત્યજી દેવાયેલી ગાયોની સંભાળ રાખવાના પોતાના સ્વપ્નને એક વિશાળ આંદોલનમાં પરિવર્તિત કરે છે.

પર્પલ અમેરિકા – એવોર્ડ વિજેતા અમેરિકન લેખક Rick Moodyની પ્રસિદ્ધ નવલકથા પરથી આધારિત ફિલ્મ, જેમાં પરિવાર, મૃત્યુ, આઘાત અને પ્રેમ જેવા માનવીય વિષયોની શોધ કરવામાં આવી છે.


સંગીતથી સિનેમા સુધી પાર્થિવ ગોહિલની સફર

ગુજરાતી સંગીતના આગવા અવાજોમાંના એક પાર્થિવ ગોહિલે ગુજરાતી લોકસંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત, બોલિવૂડ, ભક્તિ સંગીત, સૂફી, ફ્યુઝન અને કન્ટેમ્પરરી ઇન્ડિયન મ્યુઝિક જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

તેમના રાષ્ટ્રીય સ્તરના પ્લેબેક ગીતોમાં દેવદાસ, સાંવરીયા, હિરોઝ, કિસાન, વાદા રહા અને સાહેબ બિવિ ઔર ગેંગસ્ટર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સાંવરીયાનું તેમનું ગીત “યું શબનમી” તેમના સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રીય હિટ્સમાંનું એક રહ્યું છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇવ પર્ફોર્મન્સ દ્વારા પણ તેમણે વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચ બનાવી છે. તેઓ કોક સ્ટુડિયો@ એમટીવી તેમજ દેશની એકતા માટેના જાણીતા રાષ્ટ્રીય સંગીત અભિયાન ફિર મિલે સુર મેરા તુમ્હારા સાથે પણ જોડાઈ ચૂક્યા છે.


ગુજરાતી સિનેમામાં પણ મહત્વપૂર્ણ યોગદાન

પાર્થિવ ગોહિલની સર્જનાત્મક યાત્રામાં સિનેમાનો તબક્કો પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે. પાર્થિવ ગોહિલ દ્વારા સહ-સ્થાપિત સોલ સુત્રા એલએલપી મારફતે તેમણે ગોળકેરી, કચ્છ એક્સપ્રેસ અને ઝમકુડી જેવી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ અને ક્યુરેશન કર્યું છે અને હાલમાં પણ નવી ફીચર ફિલ્મોના વિકાસ પર કામ કરી રહ્યા છે.


કચ્છ એક્સપ્રેસને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિચર ફર્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાર્યમેન્ટલ વેલ્યૂઝ માટે રજત કમલ / સિલ્વર લોટસ એવોર્ડ મળ્યો હતો. આ પાર્થિવ ગોહિલની નિર્માતા તરીકેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રહ્યું છે. ફિલ્મ માટે માનસી પારેખને મુખ્ય ભૂમિકા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

સર્જનાત્મકતા અને મનોરંજન ક્ષેત્રના પ્રોડક્શન બંને પાસાંનો આ અનુભવ હવે ઓરેન્ડા મીડિયા ગ્રોથ ફંડ માટે પાર્થિવ ગોહિલના વિઝનનો પાયો બન્યો છે.

પાર્થિવ ગોહિલે જણાવ્યું કે, મહાન વાર્તાઓ સરહદો, ભાષા અને સંસ્કૃતિથી પર હોય છે. મારી સફર સંગીત અને લાઇવ પર્ફોર્મન્સથી લઈને ફિલ્મ નિર્માણ સુધીની રહી છે અને દરેક તબક્કાએ વાર્તાઓની લોકો સાથે જોડાવાની શક્તિમાં મારો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે. ઓરેન્ડા ક્રિએટીવ મારી આ જ સફરનું વિસ્તરણ છે. એક એવી તક, જ્યાં સર્જનાત્મક વિશ્વાસ અને શિસ્તબદ્ધ રોકાણને સાથે લાવીને અર્થપૂર્ણ અને પરિવર્તન લાવતી વાર્તાઓ કહેવાનું સાહસ કરનારા ફિલ્મમેકર્સ અને ક્રિએટર્સને સશક્ત બનાવી શકાય.

સાથે સાથે, ઉચ્ચ ગુણવત્તાવાળા મીડિયા માટે એક ટકાઉ ઇકોસિસ્ટમ ઊભું કરવાનું પણ અમારું લક્ષ્ય છે. અમારું માનવું છે કે પ્રતિષ્ઠિત કન્ટેન્ટ માત્ર સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ઝડપથી બદલાઈ રહેલા એન્ટરટેઇનમેન્ટ લેન્ડસ્કેપમાં તે એક નોંધપાત્ર તક પણ છે.


માનસી પારેખે જણાવ્યું કે, અમારો હેતુ કલા અને સિનેમા દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદોને ધૂંધળી કરવાનો અને એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે, જ્યાં વાર્તાઓ વિવિધ સંસ્કૃતિઓ અને ભૂગોળ વચ્ચે સરળતાથી પ્રવાસ કરી શકે. આ પહેલને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. ભારતીય અને પ્રાદેશિક વાર્તાઓને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની સાથે-સાથે વિવિધ માર્કેટ્સમાં અર્થપૂર્ણ અને વ્યૂહાત્મક પ્રોડક્શન પાર્ટનરશિપ ઊભી કરવાની આ એક મોટી તક છે.”

વેનિસની વ્યસ્ત આંતરરાષ્ટ્રીય સફર પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પાર્થિવ ગોહિલ તેમના વાર્ષિક હાઈ-ઓક્ટેન, સોલ્ડ-આઉટ નવરાત્રી શોની તૈયારીઓમાં વ્યસ્ત થશે, જ્યારે માનસી પારેખ તેમના આગામી નેટફ્લીક્સ શો ચુમવેકના રિલીઝ માટે તૈયાર થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application