અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ બંને વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની પધરામણી કરી છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અચાનક દિવસ દરમિયાન જ શહેરમાં ગાઢ અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ આકાશમાંથી વીજળીના ભયાનક કડાકા-ભડાકા અને જોરદાર પવનના સપાટા સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના કારણે ગફલતમાં મુકાયેલા નાગરિકોને ભારે નવાઈ લાગી હતી.
પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, શિવરંજની અને શ્યામલ ચાર રસ્તા પર તોફાની પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન અચાનક અંધારું છવાઈ જવાથી અને વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ જવાથી વાહનચાલકોને બપોરે પણ હેડલાઇટો ચાલુ રાખીને પોતાના વાહનો સાવચેતીપૂર્વક ચલાવવાની ફરજ પડી હતી.
બીજી તરફ, પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે. હાટકેશ્વર, સીટીએમ, રખિયાલ અને સોનીની ચાલી વિસ્તારમાં ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા માર્ગો પર પાણી ભરાવા લાગ્યા હતા અને રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા.
વીજળીના ગડગડાટ સાથે શરૂ થયેલા આ તોફાની વરસાદથી લાંબા સમયથી ગફલતમાં રહેલા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. જેથી શહેરીજનોએ ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી છે. જોકે, અચાનક શરૂ થયેલા આ વરસાદના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો, જેના કારણે નોકરિયાત વર્ગ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ મકાન ધરાશાયી, 3 લોકો દટાયા
અમદાવાદ શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે લાલાભાઈની બારી નજીક એક મકાન પડવાની ઘટના બની છે. જેના પગલે તાત્કાલિક પાંચકુવા ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ ઉપર પહોંચાડવામાં આવી છે. મકાન પડવાના કારણે ત્રણ લોકો દટાયા હોવાની માહિતી મળી છે. જેમાંથી એક વ્યક્તિ સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે માતા અને પુત્રીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.