કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા આજે ગાંધીનગરમાં પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો. યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, તેમજ સ્થાનિક નેતાઓ નીશીત વ્યાસ અને હિમાંશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાની શરૂઆત માટે અમિત ચાવડાએ તેઓ જ બાઈક હાંકીને રેલીને લીલીઝંડી આપી હતી. ડી.જે.ના શક્તિશાળી સાઉન્ડ અને કાર્યકરોના નારા વચ્ચે રેલી આગળ વધતા ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો યાત્રામાં જોડાતા વાતાવરણ વધુ જોરદાર બન્યું હતું.
યાત્રા દરમિયાન અમિત ચાવડાનો સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો રાજ્ય સરકારને અનેક મુદ્દાઓ પર આડે હાથ લીધી હતી. કુમાર કાનાણીના પત્રનો ઉલ્લેખ કરી બીજેપી પર નિશાન સાધ્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે, “ભાજપના ધારાસભ્ય અને તેમના કાર્યકરો પણ સ્વીકારી લે કે ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે.” દારૂ અને ડ્રગ્સ મુદ્દે સરકાર નિષ્ફળ નિવડી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “પીવાનું પાણી ન મળે તે શક્ય છે, પરંતુ દારૂ અને ડ્રગ્સ દરેક ખૂણે મળી રહે છે.રાજ્યની બહેનો અને દીકરીઓ વિધવા થાય છે, તેની પાછળ સરકારના લોકોની બેદરકારી જવાબદાર છે.
ચાવડાએ સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “જે લોકોને હપ્તો ઉઘરાવવાનો આક્ષેપ છે, તેમને આ સરકાર પ્રમોશન આપે છે. “મુખ્યમંત્રી પાસેનું ગૃહખાતું હર્ષ સંઘવીને કેમ સોંપાયું એમના કાર્યકાળમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયાં છે.
કચ્છનો ઉલ્લેખ કરી કોંગ્રેસ–ભાજપની તુલના “કોંગ્રેસના સમયમાં કચ્છ સુધી પાણીની ટ્રેન પહોંચાડવામાં આવતી હતી. આજે ભાજપના સમયમાં ત્યાં દારૂની ટ્રેન પહોંચે છે.”
કોંગ્રેસની આ યાત્રા રાજય વ્યાપી વિરોધ અભિયાનનો ભાગ છે જેમાં કિંમતો, કાયદો–વ્યવસ્થા, દારૂ–ડ્રગ્સના મુદ્દા, અને સરકારની નીતિઓ વિરુદ્ધ જનસમર્થન એકત્ર કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. ગાંધીનગરમાં આજે યાત્રાને વિશાળ પ્રતિસાદ મળ્યો હતો.