દેશના પ્રધાનમંત્રીના ગુજરાતમાં આગમન વેળાએ આજે ખેડૂતોના પ્રશ્ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે ૧૧ કલાકે રાજ્યભરમાં ઝોનવાઈઝ કિસાન અધિકાર ધરણાનો કાર્યક્રમ આપી દુષ્કાળ જાહેર કરવા, પાક નુકસાનીનું વળતર અને વીમો ચૂકવવા, દેવું માફ કરવા, ખોટી જમીન માપણી રદ કરવા, વીજ થાંભલાનું વળતર આપવા તેમજ ખેડૂતોને અન્ય સંકટમાં રાહત આપવા માગ ઉઠાવી હતી.
સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટના ત્રિકોણબાગ ખાતે સવારે ૧૧ કલાકથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, લલીતભાઈ કગથરા,ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, રૂત્વીક મકવાણા, શ્રી મોહમ્મદ જાવેદ પિરઝાદા તથા શહેર-જીલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને હોદ્દેદારો દ્વારા ધરણા ધરવામાં આવ્યા હતા.
જ્યારે ઉત્તર ઝોનમાં મહેસાણા જિલ્લા સમિતિ કાર્યાલય ખાતે ડૉ.તુષાર ચૌધરી, જગદીશભાઈ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, લાલજીભાઈ દેસાઈ, ગેનીબેન ઠાકોર, શૈલેષભાઈ પરમાર,
જીગ્નેશભાઈ મેવાણી તથા શહેર-જીલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને હોદ્દેદારો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.
મધ્યઝોનમાં વડોદરા ખાતે ગાંધીનગર ગૃહ, જ્યુબીલી બાગ પાસે ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થભાઈ પટેલ, ડૉ.અમીબેન યાજ્ઞિક, સુખરામભાઈ રાઠવા, નિલેશભાઈ પટેલ, પલકબેન વર્મા તથા શહેર- જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને હોદ્દેદારો દ્વારા ધરણા ધરવામાં આવ્યા હતા.
જ્યારે દક્ષિણ ઝોનમાં મુદ્દીત પેલેસ, ઇન્ડિયા ગેટ, બારડોલી ખાતે અનંતભાઈ પટેલ, કદીરભાઈ પીરઝાદા, આનંદભાઈ ચૌધરી, જયેશભાઈ પટેલ, પુનાજી ગામીત તથા શહેર-જીલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને હોદ્દેદારો દ્વારા ધરણા ધરવામાં આવ્યા હતા.
ખેડૂતોના આ છ પ્રશ્ને ધરણા
૧.દુષ્કાળ જાહેર કરવાની માંગ: ગુજરાતના જે જિલ્લાઓ અને તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી, ત્યાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની સરકાર પાસે માંગ કરવામાં આવી છે.
૨.પાક નુકસાનીનું વળતર અને વીમો: વરસાદની અછતને કારણે પાકને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ યોગ્ય વળતર ચૂકવવાની માંગ છે.
૩.ખેડૂતોનું દેવું માફ કરવા: આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતોના સંપૂર્ણ દેવાં માફ કરવામાં આવે.
૪.ખોટી જમીન માપણી રદ કરવી: રાજ્યમાં થયેલી જમીન માપણીમાં રહેલી ભૂલો અંગે ખેડૂતોમાં રોષ છે, તેથી ખોટી જમીન માપણી તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
૫.વીજળીના થાંભલાનું વળતર: ખેતરોની વચ્ચેથી પસાર થતી લાઈનો અને નાંખવામાં આવેલા વીજળીના થાંભલાનું ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર આપવામાં આવે.
૬.અન્ય સંકટમાં રાહત: ખેતમજૂરોને આર્થિક સહાય પૂરી પાડવી તેમજ પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી