BREAKING NEWS

પડધરીના રંગપર નજીક બાઈક સ્લીપ થતાં દંપતી ખંડિત: પત્નીનું મોત, ઘરે જતી વખતે બાઈક આડે વાછરડુ ઉતરતા અકસ્માત નડ્યો

  • October 27, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના રંગપર પર નજીક બાઈક આડે વાછરડું ઉતરતા સ્લિપ થવાથી બાઈક સવાર દંપતી અને બે સંતાનો રોડ પટ પટકાયા હતા જેમાં પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. દંપતી બંને બાળકોને લઇ રાજકોટ રહેતા પરિણીતાના માવતરના ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે પડધરી પોલીસે કાર્યવાહી કરી છે.


પ્રાપ્ત વિગત મુજબ પડધરીના તરઘડી ગામે રહેતા જયેશભાઇ માવજીભાઈ સોલંકી (ઉ.વ.26)ના ગઈકાલે સવારે અગ્યારેક વાગ્યે પોતાની બાઇકમાં પત્ની સોનલબેન (ઉ.વ.25) અને બે સંતાનોને લઈ રાજકોટ નાનામવા વિસ્તારમાં રહેતા સસરાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રંગપર ગામ નજીક બાઈક આડે વાછરડું ઉતરતા બાઈક સ્લિપ થઇ ગઈ હતી, દંપતી અને બંને બાળકો રોડ પર પટકાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે 108ને જાણ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમાં પરિણીતાને વધુ ઇજા હોવાથી તેણીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જયારે પતિ અને બે સંતાનોને છોલછાલ થતા સારવાર આપવામાં આવી હતી. બનાવના પગલે પડધરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application