ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાની ગ્રાહક અદાલતે રેલવે પર રૂ.9,10,000નો મોટો દંડ ફટકાર્યો છે. આ દંડ સાત વર્ષ પહેલાં 2018માં વિદ્યાર્થિની સમૃદ્ધિની ફરિયાદના આધારે લાદવામાં આવ્યો હતો. તેણીએ ફરિયાદ કરી હતી કે તેણીએ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી અને ટ્રેન અઢી કલાકથી વધુ મોડી પડી હતી, જેના કારણે તે નીટની પરીક્ષા ચૂકી ગઈ હતી. તેણીની વર્ષોની તૈયારી વેડફાઇ ગઈ. ત્યારબાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
દંડ ફટકાર્યા પછી, કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે જો રેલ્વે વિભાગ વળતર ચૂકવવામાં વિલંબ કરે છે તો તેણે ગ્રાહકને ચૂકવવામાં આવતી રકમ પર 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે. આ કાર્યવાહીથી રેલ્વે વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના પીકોરા બક્ષ વિસ્તારની રહેવાસી સમૃદ્ધિ નીટની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેણીએ નીટનું ફોર્મ પણ ભર્યું હતું અને તેનું પરીક્ષા કેન્દ્ર લખનઉની જયનારાયણ પીજી કોલેજમાં ફાળવવામાં આવ્યું હતું. પરીક્ષા આપવા માટે વિદ્યાર્થિનીએ બસ્તીથી ઇન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેન બુક કરી હતી, જે સવારે 11:00 વાગ્યે લખનઉ પહોંચવાની હતી. જોકે, વિલંબને કારણે, ટ્રેન સમયપત્રક કરતાં અઢી કલાક મોડી આવી હતી અને તેણીને 12:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની હતી, જેના કારણે તેણી પરીક્ષા ચૂકી ગઈ હતી. પીડિત વિદ્યાર્થિનીએ આ મામલો ગ્રાહક આયોગમાં ઉઠાવ્યો હતો, જેના પરિણામે રેલ્વેને પરિણામોનો સામનો કરવો પડ્યો હતો.
જિલ્લા ગ્રાહક આયોગના અધ્યક્ષ ન્યાયાધીશ અમરજીત વર્મા અને સભ્ય અજય પ્રકાશ સિંહે રેલ્વે પર રૂ.9,10,000નો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે જો રેલ્વે વળતરની રકમ ચૂકવવામાં વિલંબ કરે છે, તો તેણે ગ્રાહકને ચૂકવવામાં આવેલી રકમ પર 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
સમૃદ્ધિના વકીલ પ્રભાકર મિશ્રાએ જણાવ્યું હતું કે તે સાત મે, 2018ના રોજ નીટની પરીક્ષા આપવા લખનઉ ગઈ હતી. જોકે, ટ્રેન મોડી પડવાને કારણે તે પરીક્ષા ચૂકી ગઈ અને તેનું આખું વર્ષ બરબાદ થઈ ગયું હતું. તેમણે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં દાવો દાખલ કર્યો હતો. તેઓએ રેલ્વે મંત્રાલય, જનરલ મેનેજર અને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને નોટિસ મોકલી, પરંતુ કોઈ જવાબ ન મળતાં, તેમણે 11 સપ્ટેમ્બર, 2018ના રોજ કોર્ટમાં દાવો દાખલ કર્યો.
કેસ સાત વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો. કમિશને બંને પક્ષોને સાંભળ્યા અને રેલ્વેએ ટ્રેનના વિલંબને સ્વીકાર્યો, પરંતુ વિલંબનું કારણ સમજાવ્યું નહીં. કોર્ટે દંડ ફટકાર્યો અને રેલ્વેને 45 દિવસમાં રૂ.9,10,000 ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. જો આ રકમ ગ્રાહકને નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નહીં આવે, તો ગ્રાહકે સમગ્ર રકમ પર 12 ટકા વ્યાજ ચૂકવવું પડશે.