BREAKING NEWS

હોસ્પિટલોમાં મેડિકલ વસ્તુઓની કિંમતોની મનમાની પર સિકંજોઃ સરકારે રિપોર્ટ માંગ્યો

  • September 21, 2026 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાતા જરૂરી મેડિકલ સાધનો અને કન્ઝ્યુમેબલ્સની કિંમતોમાં ભારે અસમાનતા અને અતિશય નફાખોરી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગંભીરતા દાખવી છે. આ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ) પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે, જેથી મોંઘા ભાવ વસૂલતી હોસ્પિટલો સામે યોગ્ય નિયંત્રણ લાવી શકાય.   

આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઔષધ વિભાગ અને એનપીપીઆઈના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ મેડિકલ ઉપકરણો પર વસૂલવામાં આવતા અતિશય માર્જિન અને ઊંચા નફાને રોકવા માટે સત્વરે કડક પગલાં અને ઉપાયો શોધવાના કડક નિર્દેશો આપ્યા છે.   

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ) દ્વારા એક વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં હોસ્પિટલોની ખરીદ કિંમત અને તેના પર છપાયેલી મહત્તમ રિટેલ કિંમત (એમઆરપી) વચ્ચે જમીન-આકાશનો તફાવત જોવા મળ્યો હતો. ઉદાહરણ તરીકે, જે આઈવી ઇન્ફ્યુઝન સેટ હોસ્પિટલે માત્ર ૧૧.૦૫ રૂપિયામાં ખરીદ્યો હતો, તેની એમઆરપી ૩૨૫ રૂપિયા અંકિત થયેલી મળી હતી. આ કિંમત વાસ્તવિક ખરીદ કિંમત કરતા અંદાજે ૨,૮૪૧ ટકા જેટલી વધુ હતી. આ ઉપરાંત, ૬.૭૫ રૂપિયાની સિરિંજ પર ૫૭.૨૦ રૂપિયા અને ૨૯.૪૧ રૂપિયાના કેથેટર પર ૩૧૦ રૂપિયા સુધીની ઊંચી એમઆરપી વસૂલાતી હોવાનું સામે આવ્યું હતું.   

મહારાષ્ટ્રના એફડીએ આયુક્ત તુકારામ મુંડેએ આ ગંભીર મુદ્દો સત્તાવાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે ઔષધ વિભાગ અને એનપીપીએને પત્ર લખીને મહારાષ્ટ્રના સર્વેના નિષ્કર્ષોની સમીક્ષા કરવા અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોના એફડીએ દ્વારા પણ હોસ્પિટલોમાં લેવાતા અત્યંત ઊંચા માર્જિન અને કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.   

ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર (ડીપીસીઓ) ૨૦૧૩ હેઠળ હાલમાં માત્ર અત્યંત આવશ્યક દવાઓ અને પસંદગીના  ઉપકરણોના જ મહત્તમ મૂલ્ય નક્કી થયેલા છે. બિન-અનુસૂચિ શ્રેણીના બાકીના ઉપકરણોની એમઆરપી વધારવાની છૂટ છે પરંતુ તેના બેઝ પ્રાઇસ પર કોઈ રોક નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવે સરકાર જૂના ટ્રેડ માર્જિન નિયંત્રણના અનુભવોની સમીક્ષા કરી રહી છે. ઔષધ વિભાગ અને એનપીપીએ ટ્રેડ માર્જિનની મર્યાદા નક્કી કરવા તેમજ મેડિલલ કન્ઝ્યુમેબલ્સને સીધા મૂલ્ય નિયંત્રણ (પ્રાઇસ કંટ્રોલ) હેઠળ લાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તુકારામ મુંડેના તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને એવી નીતિ બનાવવી હિતાવહ છે જે ઉપભોક્તાઓ, દવા ઉદ્યોગ, હોસ્પિટલો, નાગરિકો અને નિયામકો તમામ માટે ન્યાયસંગત અને યોગ્ય સાબિત થાય.   

બીજી બાજુ, ખાનગી હોસ્પિટલો અને મેડિકલ ઉદ્યોગનું કહેવું છે કે ખરીદ કિંમત અને એમઆરપી વચ્ચેના સમગ્ર તફાવતને હોસ્પિટલનો સીધો શુદ્ધ નફો ગણી શકાય નહીં. તેમાં સપ્લાયર, નિર્માતા (મેન્યુફેક્ચરર), વિતરણ ખર્ચ (ડિસ્ટ્રિબ્યુશન) અને અન્ય સંચાલકીય ખર્ચાઓ પણ સામેલ હોઈ શકે છે. હોસ્પિટલ ઉદ્યોગનો તર્ક છે કે કિંમતો નક્કી કરતી વખતે ઉત્પાદનની ગુણવત્તા, તેની ટેકનિકલ જટિલતાઓ અને હોસ્પિટલની વાસ્તવિક સેવાકીય સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application