રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલી નાણાકીય અને વહીવટી ગેરરીતિઓની તપાસ બાદ હવે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તપાસ અહેવાલ મુજબ, આરોગ્ય વિભાગ, સેન્ટ્રલ વર્કશોપ અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ ખાનગી એજન્સીઓ દ્વારા બિલોમાં ક્ષતિ, ઓવર પેમેન્ટ અને પ્રક્રિયાગત ક્ષતિઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ અને ફરજ મોકૂફી ઉપરાંત એજન્સીઓ પાસેથી લાખો રૂપિયાની રિકવરી અને બિલ કપાત કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી સામે ખાતાકીય તપાસ થશે. તેમજ સ્ટોર ઈન્ચાર્જ સામે ખાતાકીય તપાસ થશે.
આરોગ્ય વિભાગની કામગીરીની તપાસમાં લંચ ડિશ, ચા-બિસ્કિટ અને લીંબુ પાણીના બિલોમાં 'પ્રોસીજરલ લેપ્સ' એટલે કે પ્રક્રિયાગત ક્ષતિઓ જણાઈ આવી છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ ખાતે ચા, નાસ્તો અને લંચના બિલમાં રેટ કરેક્શન કરીને ચૂકવણું બાકી રાખવામાં આવ્યું છે. આ ગેરરીતિ બદલ જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે એજન્સી 'આરાધના ટી'ના રજૂ થયેલા બિલમાંથી રૂ. ૫૭,૪૨૦ની કપાત કરવાનો આદેશ અપાયો છે.
સેન્ટ્રલ વર્કશોપ વિભાગ દ્વારા ડિમોલિશન દરમિયાન પેસેન્જર વાહનોના વપરાશમાં 'ઓવર પેમેન્ટ' થયું હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ સંબંધિત અધિકારી સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ વાહન પૂરા પાડનાર એજન્સી 'આશુતોષ ટ્રાવેલ્સ' પાસેથી વધારાના ચૂકવાયેલા રૂ. ૧,૨૮,૨૬૬ની રિકવરી કરવાની કાર્યવાહી સૂચવવામાં આવી છે.
સૌથી મોટી ગેરરીતિ સાંસ્કૃતિક વિકાસ વિભાગની કામગીરીમાં ઉજાગર થઈ છે, જેમાં ઇલેક્ટ્રિક કામગીરી, એલ.ઈ.ડી. ટી.વી. અને મંડપ કામગીરીના બિલોમાં ક્ષતિ જણાતા ચૂકવણું અટકાવવામાં આવ્યું છે. જ્યારે મિનરલ વોટર, વીડિયોગ્રાફી અને ડ્રોનના બિલોમાં રેટ કરેક્શન કરીને રિકવરી અને કપાતનો નિર્ણય લેવાયો છે. આ વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરીને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવાનો આદેશ અપાયો છે.
સાંસ્કૃતિક વિકાસ વિભાગ સાથે સંકળાયેલી પાંચ એજન્સીઓ સામે પણ મોટી આર્થિક કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ દોશી ઇલેક્ટ્રિકના બિલમાંથી રૂ. ૧,૦૨,૦૧૫, ગ્લોબલ કોમ્યુનિકેશનના બિલમાંથી રૂ. ૩,૯૭૭ અને ઉમિયાજી મંડપના બિલમાંથી સૌથી વધુ રૂ. ૧૧,૬૫,૯૩૯ની કપાત કરવામાં આવી છે. આ ઉપરાંત બાલાજી વીડિયો પાસેથી રૂ. ૩,૧૭,૩૪૪ અને એન.પી. વીડિયો પાસેથી રૂ. ૯૭,૬૦૦ની રિકવરી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.