બોલિવૂડના જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબી દરબારના વર્ષ ૨૦૦૯માં થયેલા મૃત્યુ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સારવાર દરમિયાન દાખવવામાં આવેલી તબીબી બેદરકારી બદલ કોર્ટે સુરતના ડો. પરેશ ભજીયાવાલાને કસૂરવાર ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે. જોકે, ચુકાદાની સાથે જ કોર્ટ દ્વારા આરોપીના જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે. ૭૦ વર્ષીય જૈતુનબીબીનું મોત સારવારમાં થયેલી ઘોર બેદરકારીને કારણે નિપજ્યું હોવાનું સાબિત થયું છે. ફરિયાદ પક્ષના વકીલ કેતન રેશમવાલાની ધારદાર દલીલો બાદ ૧૭ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડતમાં ડોક્ટરને દોષિત જાહેર કરાતા તબીબી આલમમાં ચકચાર મચી ગઈ છે.
આ કેસની કાનૂની પ્રક્રિયા અંગે વકીલ કેતન રેશમવાલાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન ફરિયાદ પક્ષ તરફથી કુલ ૧૬થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ સાક્ષીઓમાં ઇસ્માઇલ દરબારના પરિવારજનો ઉપરાંત સારવાર સાથે સંકળાયેલા નિષ્ણાત તબીબો, અન્ય સારવાર કરનાર ડોક્ટરો, પોસ્ટમોર્ટમ કરનાર તબીબ તેમજ ગિરીશભાઈની સાક્ષી તરીકે ઊલટતપાસ કરવામાં આવી હતી. તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે બેદરકારીનો મામલો સ્પષ્ટ થયો હતો.
આ સમગ્ર ઘટના જાન્યુઆરી, ૨૦૦૯માં સુરતની ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ (જીજીએચ) ખાતે બની હતી. ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબીને તાવ અને અન્ય બીમારીની ફરિયાદ બાદ અહીં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તેમને પીઠમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પીઠના ભાગે ગરમ પાણીની હીટ બેગ મૂકવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ તંત્ર અને તબીબની ગંભીર બેદરકારીના કારણે આ ગરમ પાણીની બેગ આખી રાત તેમના શરીરની નીચે જ રહી ગઈ હતી.
વકીલ કેતન રેશમવાલાના જણાવ્યા મુજબ, આખી રાત ગરમ પાણીની બેગ શરીરના સંપર્કમાં રહેતા જૈતુનબીબી પીઠના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમની પીઠમાં એક મોટું કાણું પડી ગયું હતું. આ ગંભીર ઇજાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી પડી ગઈ હતી. ત્યારબાદ તેમની તબિયત સતત લથડતી ગઈ હતી અને તેઓ ફરી ક્યારેય પથારીમાંથી ઊભા થઈ શક્યા નહોતા. અંતે ૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
માતાના મૃત્યુ બાદ ઇસ્માઇલ દરબારે હોસ્પિટલ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે અવાજ ઉઠાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ડો. પરેશ ભજીયાવાલા અને નર્સ ચંચુબેન એમ બે આરોપી બનાવાયા હતા અને પોલીસે બંનેની ધરપકડ કરી ટ્રાયલ શરૂ કરી હતી. ટ્રાયલ દરમિયાન નર્સ ચંચુબેન જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ જતા હાલ ભાગેડુ જાહેર થયા છે, જ્યારે ડો. પરેશ ભજીયાવાલા સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ ૨૦૦૯ના આ કેસમાં આવેલો ચુકાદો બેદરકાર તબીબો સામે દાખલારૂપ બન્યો છે.