BREAKING NEWS

રાષ્ટ્રપતિના રૂટ પરથી પકડેલા ઢોર છોડાવી જનારા સામે ગુનો નોંધાયો

  • October 11, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસેથી રાષ્ટ્રપતિના આગમન પૂર્વે રસ્તા પરથી રખડતા ઢોર મહાપાલિકાના સ્ટાફ પકડી લઈ જતો હતો ત્યારે નવાગામ પાસે સ્કોર્પિયોમાં છ થી સાત શખસો ધસી આવ્યા હતા. અ શખસોએ મહાપાલિકાના સ્ટાફ સાથે બોલાચાલી કરી ઢોર છોડાવી લીધા હતા. જે અંગે કોર્પોરેશનના લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


શહેરના આજીડેમ ચોકડી પાસે શ્રીરામ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા મૂળ અરવલ્લી જિલ્લાના પંચાલ ગામના વતની અને હાલ રાજકોટ મહાપાલિકામાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ શાખામાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર શશીકાંત કુમાર જગદીશભાઈ નીનામા (ઉ.વ 30) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં છ થી સાત અજાણ્યા શખસોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.


શશીકાંત કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 9/10 ના રાજકોટમાં રાષ્ટ્રપતિનું આગમન થનાર હોય જેથી વીઆઈપી રૂટમાં રખડતા પશુઓ નડતરરૂપ ન થાય તે માટે બપોરના 2:00 વાગ્યા આસપાસ રાજકોટ અમુલ સર્કલ ખાતે ઢોર ડબ્બાની જગ્યા છે ત્યાંથી સરકારી વાહન જેમાં ત્રણ બોલેરો, એક ટ્રેક્ટર અને એક કોન્ટ્રાક્ટર વ્હીકલ અર્ટિગામાં ફરિયાદી તથા સાથે નોકરી કરતા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અંકિતભાઈ ગોહિલ તથા પોલીસ સ્ટાફ બધા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવ્યા હતાં.


અહીં કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, ગ્રીનલેન્ડ ચોકડીથી મેંગો માર્કેટ તરફ રખડતા પશુઓ અડચણરૂપ છે જેથી તેઓ અહીં ગયા હતા અહીં રસ્તાની બાજુમાં ત્રણ ગાયો તથા એક આખલો અને એક વાછરડું જોવામાં આવ્યું હતું. જેને સ્ટાફે કોર્ડન કરી ટ્રેક્ટરના ડબ્બામાં ભર્યા હતા અને આગળ રૂટ ક્લિયર કરાવવા ત્યાંથી નીકળી સાત હનુમાન મંદિર નવાગામ આણંદપર પાસે આવેલ પુલ તરફ સર્વિસ રોડ થઈ સાત હનુમાન મંદિર પાસે બપરોના સાડા ત્રણ વાગ્યે પહોંચતા અહીં એક કાળા કલરની સ્કોર્પિયોએ ટ્રેકટરની આગળ પોતાનું વાહન કરી ટ્રેક્ટર ઊભું રખાવ્યું હતું અને આ ગાડીમાંથી છ થી સાત શખસો ઉતર્યા હતા અને કહ્યું હતું કે, ગામડાના વિસ્તારમાંથી ઢોર પકડી ન શકો જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, અમે શહેર વિસ્તારના મેંગો માર્કેટ ખાતેથી આ ઢોર પકડેલ છે તેમ વાત કરતા હતાં. દરમિયાન આ લોકોમાંથી અમુક શખસો ટ્રેક્ટરના ડબ્બામાં જતા રહ્યા હતા અને ઢોરને બાંધેલ દોરડા દાતરડા વડે કાપી ઢોર છોડાવીને આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા જેથી આ બાબતે ફરિયાદીએ તેમના શાખા અધિકારી ઉપેન્દ્રકુમાર પટેલને જાણ કરી હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવતા આ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયોમાં આવેલા છ થી સાત અજાણ્યા શખસોએ ગેરકાયદે મંડળી હતી. ઢોર છોડાવી જઇ ફરજમાં રૂકાવટ કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application