BREAKING NEWS

સુરતમાં ગણેશજીના આગમનમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુકી થતા અનેક શ્રદ્ધાળુઓ ને બાળકો દબાયા

  • August 24, 2026 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરમાં ગણેશ ચતુર્થી પર્વના આશરે દોઢ મહિના અગાઉથી જ શ્રીજીની મૂર્તિઓના ભવ્ય આગમનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગત રાત્રે શહેરના ઘોડદોડ રોડ પર આવેલા રામચોક ખાતે પ્રખ્યાત સરકાર ગ્રુપના ગણેશજીની પ્રથમ ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ગણેશભક્તો ભેગા થયા હતા. જોકે, આયોજકો અને સ્થાનિક પોલીસ દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાવ નિષ્ફળ નીવડી હતી. સ્થળ પર પગ મૂકવાની પણ જગ્યા ન બચતાં અચાનક ભારે ધક્કામૂકી અને અફરાતફરી સર્જાઈ હતી, જેના કારણે ભક્તિમય માહોલ ક્ષણભરમાં ભયમાં પલટાઈ ગયો હતો. આ ગંભીર અંધાધૂંધી વચ્ચે અનેક મહિલાઓ અને નાના બાળકો ભીડમાં દબાઈ ગયાં હતાં. 

ચારેય તરફથી વધતા દબાણને કારણે ઘણા શ્રદ્ધાળુઓને શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ થવા લાગી હતી. આ નાસભાગ જેવી સ્થિતિમાં એક માસુમ બાળક પોતાના પરિવારથી છૂટું પડી ગયું હતું, જે બાદમાં સલામત મળી આવતાં તેની માતા તેને ભેટીને ભાવુક થઈ રડી પડી હતી. ઘટનાસ્થળે માહોલ એટલો કથળ્યો હતો કે લોકોના ચંપલ અને બૂટ પગમાંથી નીકળી ગયા હતા. રસ્તાઓ પર ચારેતરફ ચપ્પલોના ઢગલા જોવા મળ્યા હતા, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ અરાજકતાના કારણે એક તરફ રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિકજામ થયો હતો, તો બીજી તરફ અસામાજિક તત્ત્વો અને ખિસ્સાકાતરુઓ સક્રિય થઈ ગયા હતા. ભીડ અને નાસભાગનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોએ અનેક લોકોના મોંઘા મોબાઈલ ફોન તથા પર્સ સેરવી લીધા હતા. તહેવારના ઉત્સાહ વચ્ચે ચોરીનો ભોગ બનેલા અને કથળેલી વ્યવસ્થાથી હેરાન થયેલા શ્રદ્ધાળુઓ ભારે આક્રોશ સાથે ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

ઘટના અંગે આયોજક તપનસિંહ રાજપૂતે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ દર વર્ષે નિયમ મુજબ આયોજન કરે છે, પરંતુ આ વખતે ધારણા કરતાં પણ વધુ ભક્તો આવી પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું કે વોલેન્ટિયર્સ સ્થળ પર હાજર હતા અને ભીડ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. જે. ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને સ્થિતિને તુરંત જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં 'સરકાર ગ્રુપ' દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી આવી વિશાળ અને ભવ્ય શ્રીજીની પ્રતિમા લાવવાની પરંપરા ચાલી આવે છે. આ વર્ષે પણ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત આ ભવ્ય પ્રતિમાનું આગમન ઘોડદોડ રોડથી શરૂ થઈ સિટી લાઈટ સુધી યોજાયું હતું. આ ભવ્ય યાત્રા બાદ ગણેશજીની પ્રતિમાની સિટી લાઈટ વિસ્તારમાં વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application