શ્રીલંકામાં 150 લોકોના મોત બાદ, ભયંકર ચક્રવાતી વાવાઝોડું 'દિતવાહ' ભારતની નજીક પહોંચી ગયું છે. આજે જ ચેન્નાઈ કિનારા પર ટકરાઈ શકે છે. ચક્રવાત પહેલા પણ તમિલનાડુ અને પુડુચેરી સહિત દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવન ચાલુ છે. તમિલનાડુમાં ચક્રવાતની વધુ અસર થવાની ધારણા છે, આથી રાહત ટીમોને એલર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારે રાહત પેકેટ પણ તૈયાર કર્યા છે. શનિવાર સાંજથી તમિલનાડુના ચેન્નાઈમાં ભારે વરસાદ ચાલુ છે.
વાવાઝોડુ દિતવાહના કારણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં તમિલનાડુમાં ત્રણ લોકોના મોત થયા છે. તુતીકોરિન અને તંજાવુરમાં દીવાલ પડવાથી બે લોકોના મોત થયા, જ્યારે મયિલાદુથુરાઈમાં વીજ કરંટ લાગવાથી એક 20 વર્ષના છોકરાનો જીવ ગયો.
રાજ્ય સરકારના મંત્રી કે. રામચંદ્રને જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 234 ઝૂંપડીઓ/કાચા ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત 149 પશુઓના પણ મોત થયા છે. ખેતીલાયક લગભગ 57,000 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત દિતવાહ રવિવારે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે કુડ્ડાલુર, નાગપટ્ટિનમ, મયિલાદુથુરાઈ, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનો સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે NDRF અને SDRF સહિત 28 થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને ગુજરાતના NDRF બેઝ પરથી 10 ટીમો ચેન્નઈ પહોંચી છે.