BREAKING NEWS

ગુજરાતમાં રોજ 4થી 5 લાખ નાળિયેરની માંગ, દેશમાં નાળિયેર પાણીનું રૂ.6,622 કરોડનું બજાર

  • September 02, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાળિયેર સામાન્ય રીતે પૂજા-પાઠ અને ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે, પરંતુ તેની ઉપયોગિતા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી. નાળિયેર પાણીથી લઈને તેના ખાદ્ય પદાર્થો સુધી, આ ફળ હજારો લોકો માટે આજીવિકાનો મુખ્ય આધાર બની ગયું છે. અમદાવાદ શહેરમાં લીલા નાળિયેર પાણીની માંગ સતત વધી રહી છે. બજારમાં એક નાળિયેરની કિંમત રૂ.50 થી રૂ.80ની વચ્ચે હોય છે, પરંતુ તેના મૂળ ખેડૂતોને તેના હિસ્સા તરીકે માત્ર રૂ.12 થી રૂ.20 સુધી જ મળે છે.

ગુજરાતમાં વર્ષ 2024-25ના આંકડા મુજબ રાજ્યમાં ટેન્ડર કોકોનટ (લીલા નાળિયેર)ની સરેરાશ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર લગભગ 9.26 હજાર છે. રાજ્યમાં 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે અને વાર્ષિક 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ નાળિયેરના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

હવે લીલું નાળિયેર પાણી માત્ર ઉનાળામાં તરસ છિપાવવાનું સાધન નથી રહ્યું, પરંતુ તેનું મોટું વ્યાપારી બજાર ઊભું થયું છે. ગુજરાતમાં નાળિયેર પાણીનું બજાર લગભગ રૂ.400 કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં અમદાવાદ શહેર જ ગરમ વાતાવરણને કારણે આ મોટા બજારનો મુખ્ય આધાર બનીને ઉભર્યું છે. આ ઉપરાંત, ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવાતા સૂકા નાળિયેરની માંગ પણ સતત રહે છે. અમદાવાદના મોટા મંદિરો અને ધાર્મિક આયોજનોમાં દરરોજ ચાર થી પાંચ લાખ નાળિયેરની ખપત થાય છે. આ રીતે નાળિયેરનો વેપાર ધાર્મિક શ્રદ્ધા સાથે સાથે શહેરની રોજગારી અને અર્થતંત્રને પણ વેગ આપી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં દરરોજ આશરે પાંચ ટન નાળિયેરની છાલ અને કચરો નીકળે છે. અમદાવાદ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કન્ઝર્વન્સી સર્વિસ વિભાગ દ્વારા આ કચરાને એકત્રિત કરીને ખાતર (કોમ્પોસ્ટ) બનાવવામાં આવી રહ્યું છે. સ્વચ્છ ભારત મિશનના નિર્દેશક વિજય મિસ્ત્રીના જણાવ્યા મુજબ, શહેરના 150થી વધુ મોટા મંદિરો અને બજારોમાંથી નીકળતો નાળિયેરનો કચરો એકઠો કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓ માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.

નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે ગરમીમાં શરીરને ડીહાઇડ્રેશનથી બચાવે છે. આ ઉપરાંત, નાળિયેર પાણીમાં રહેલું લૌરિક એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પાચનતંત્ર સુધારવામાં, બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં તેમજ કિડની સ્ટોન (પથરી)ના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

નાળિયેરના વેપાર સાથે રાજ્યના 50 હજારથી વધુ લોકો જોડાયેલા છે. મંદિરોમાં દરરોજ 4 થી 5 લાખ નાળિયેરની માંગ રહે છે. વાર્ષિક બજારમાં નાળિયેર પાણીનું બજાર આશરે રૂ.400 કરોડ છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નાળિયેર પાણીમાં પોટેશિયમ અને સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરનું ડીહાઇડ્રેશન દૂર કરે છે. આ ઉપરાંત, નાળિયેર તેલમાં રહેલું 'લોરિક એસિડ' બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ સાબિત થાય છે.

સદીઓથી પૂજાની થાળીમાં શ્રદ્ધાથી રાખવામાં આવતું નાળિયેર આપણી ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનો અવિભાજ્ય ભાગ રહ્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત હોય, ગૃહપ્રવેશ, વિવાહ પ્રસંગ કે નવો સંકલ્પ હોય શ્રીફળ વધેરીને મંગલકામના કરવાની આપણી પરંપરા છે. પરંતુ આજે આ જ શ્રીફળ દેશના અર્થતંત્રનો એક મજબૂત સ્તંભ બની ચૂક્યું છે. ખેતરમાં વાવેલા નાળિયેરના એક છોડથી લઈને તેના પાણી, તેલ, ખોપરાં (સુકો ગોળ), દૂધ, પાવડર, બિસ્કિટ, ચોકલેટ, કોસ્મેટિક્સ, કોયર (રેસા) અને જૈવિક ઉત્પાદનો સુધીની આખી શ્રૃંખલા ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાને જોડે છે.​​​​​​​


ભારત નાળિયેરના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા સ્થાને

વૈશ્વિક સ્તરે ભારત નાળિયેરના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા સ્થાને અને કૃષિ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. ઇન્ડોનેશિયા પછી ભારત સૌથી વધુ નાળિયેર ઉત્પાદન કરતો દેશ છે. વર્ષ 2024-25માં દેશમાં આશરે 20.3 અબજ નાળિયેરનું ઉત્પાદન થયું હતું. નાળિયેર ઉત્પાદનોની નિકાસમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2024-25માં નિકાસ રૂ.4,349.03 કરોડ હતી, જે 62 ટકા વધીને 2025-26માં રૂ.7,038.35 કરોડ સુધી પહોંચી ગઈ છે.


દેશમાં નાળિયેર પાણીનું રૂ.6,622 કરોડનું બજાર

આઈએમઆરસીના રિપોર્ટ મુજબ, 2025માં ભારતનું નાળિયેર પાણીનું બજાર રૂ.6,622.7 કરોડનું હતું, જે 2034 સુધીમાં વધીને રૂ.14,750.4 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. દેશના કુલ નાળિયેર ઉત્પાદનનો 20 થી 25 ટકા ભાગ માત્ર મંદિરો, ધાર્મિક અનુષ્ઠાનો અને તહેવારોમાં ઉપયોગમાં લેવાય છે.  રાજસ્થાનમાં વાર્ષિક આશરે 10 લાખ ટન નાળિયેરની ખપત થાય છે, જે દેશની કુલ ખપતના પાંચ ટકા જેટલી છે. રાજ્યમાં વાર્ષિક આશરે રૂ.5,000 કરોડનો નાળિયેર વેપાર થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application