ગુજરાતમાં ફરસાણ અને નાસ્તાના શોખીનો માટે એક ચોંકાવનારા અને આંખ ઉઘાડનારા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ બજારમાંથી પેક કરેલા નાસ્તાના પડીકા ખાવાના શોખીન હોવ, તો ખાતા પહેલા સો વાર ચેતવાની જરૂર છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં એક જાણીતી કંપનીના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પંથકના સ્વાદપ્રિય લોકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, આટકોટના એક જાગૃત ગ્રાહકે બજારમાંથી પ્રખ્યાત 'ગોકુલ' કંપનીનું ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. જ્યારે ગ્રાહકે ઘરે જઈને પરિવાર સાથે નાસ્તો કરવા માટે ચવાણાનું પેકેટ ખોલ્યું, ત્યારે તેની અંદરથી એક મરેલી ગરોળી નીકળી આવી હતી. ફરસાણની વચ્ચે મરેલી ગરોળી જોતા જ પરિવારના તમામ સભ્યો ચોંકી ઉઠ્યા હતા અને તેમના હોશ ઉડી ગયા હતા. સદનસીબે પરિવારે ચવાણું ખાધું ન હતું, નહીં તો કોઈ મોટી ફૂડ પોઇઝનિંગની ઘટના ઘટી શકી હોત અને પરિવારના સભ્યોનો જીવ જોખમમાં મુકાઈ શક્યો હોત.
આ ગંભીર અને અતિ બેદરકારીભરી ઘટના બાદ ગ્રાહકે તાત્કાલિક ગોકુલ કંપનીના સત્તાવાળાઓનો સંપર્ક કરીને આ અંગે લેખિત તેમજ મૌખિક ફરિયાદ નોંધાવી છે. ગ્રાહક અને તેમના પરિવારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બ્રાન્ડેડ કંપનીઓ પેકિંગ અને શુદ્ધતાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતામાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકે લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકનારી આવી કંપનીના સંચાલકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ કરી છે.