BREAKING NEWS

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, શંકાસ્પદ લક્ષણોથી 12 માસૂમના મોત, જાણો તમારા બાળકોને કેવી રીતે બચાવવા

  • July 13, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ જીવલેણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે રાજ્યના આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક માસૂમ બાળકનો ભોગ લેવાયો છે. અત્યાર સુધીમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના જેવા જ શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 12 બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ આંકડાએ સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ બાળકોના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે. જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન બે બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાડોશી રાજ્ય રાજસ્થાનના એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું. બીજી તરફ, લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય અથવા રિપોર્ટ આવે તે પહેલાં જ તીવ્ર તાવ, આંચકી અને ઉલટી જેવા શંકાસ્પદ લક્ષણો સાથે દમ તોડ્યો હોય તેવા બાળકોની સંખ્યા દસ પર પહોંચી છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ છ બાળકોના મોત નોંધાયા છે, જ્યાં દાખલ કરાયેલા કુલ સાત કેસમાંથી છ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત પંચમહાલના ગોધરા અને કાલોલમાં પણ શંકાસ્પદ લક્ષણોથી કુલ ચાર બાળકોના મોત થયા છે. જેમાં ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામના બે બાળકોના અગાઉ મોત થયા હતા, મણિપુર ગામના એક વર્ષના સચિન રાઠવાનું અમદાવાદ લાવતી વખતે રસ્તામાં જ મોત નીપજ્યું હતું અને કાલોલ તાલુકાના ઘોડા ગામના બે વર્ષના આશિષ નાયકનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

રાહતના સમાચાર એ છે કે હાલમાં બે પોઝિટિવ બાળકો ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય પાંચ શંકાસ્પદ બાળકો અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના એક વર્ષના એક બાળક અને સાબરકાંઠાના કઠલાલ તાલુકાના ચાર વર્ષના અન્ય એક બાળકને તીવ્ર તાવ અને આંચકી આવતાં સિવિલના ખાસ ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરાયા હતા, જેમનો રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યો છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની સઘન સારવાર કરી રહી છે. આ સિવાય, અરવલ્લીના બાયડની ત્રણ વર્ષની એક બાળકીને હિંમતનગર સિવિલના આઇસોલેશન વોર્ડમાં રખાઈ છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જ્યારે ગોધરા સિવિલમાં પણ ખેંચ, ઝાડા અને ઊલટીના લક્ષણો ધરાવતા અન્ય ચાર બાળકો સારવાર હેઠળ છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બચવાની ટિપ્સ


મુખ્ય લક્ષણો

ચાંદીપુરા વાયરસના લક્ષણો

અચાનક તીવ્ર તાવ આવવો.

ઉલટી થવી અને ઝાડા થવા.

શરીરમાં આંચકી (ખેંચ) આવવી અથવા બેભાન થઈ જવું.

બાળકમાં અતિશય નબળાઈ કે ચિડચિડાપણું આવવું.

બચવાના ઉપાયો

આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતીની માખી) કરડવાથી ફેલાય છે, તેથી ઘરમાં સ્વચ્છતા રાખવી.

ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનોની તિરાડો પૂરવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

બાળકોને મચ્છર કે માખી ન કરડે તે માટે આખી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.

જો બાળકમાં તાવ કે આંચકી જેવા કોઈ પણ લક્ષણો દેખાય, તો જરાય વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલનો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application