દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં પશુઓ માટે રિઝર્વ ઘાસચારો પૂરો પાડવાની માંગ ઉઠી
દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં પશુઓ માટે રિઝર્વ ઘાસચારો પૂરો પાડવાની માંગ ઉઠી
September 09, 2026 02:06 PM
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા તેની સીધી અસર ખેતીની સાથે પશુધન પર પણ પડવાની ભીતિ ઊભી થઈ છે. ખાસ કરીને ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા પશુઓ માટે આગામી દિવસોમાં ઘાસચારાની ગંભીર અછત સર્જાય તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે પાંજરાપોળ સંચાલકો, સાધુ-સંતો અને ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી પશુઓ માટે રિઝર્વ રાખવામાં આવેલો ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી.રજૂઆતકારોના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં નોંધાયેલી આશરે ૧૮૫ ગૌશાળા સહિતની સંસ્થાઓમાં અંદાજે ૨૦ હજાર જેટલી ગાયોનું જતન કરવામાં આવી રહ્યું છે. વરસાદ ઓછો પડતાં ખેતરોમાં લીલો ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની શક્યતા ઓછી છે. પરિણામે ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો પર પશુઓના નિભાવનો આર્થિક બોજ વધવાની સાથે ઘાસચારાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની શકે છે. ગૌપ્રેમીઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, દુષ્કાળ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પશુઓ માટે અનામત રાખવામાં આવેલો ઘાસચારો તાત્કાલિક જરૂરિયાત ધરાવતી ગૌશાળા અને પાંજરાપોળોને ફાળવવામાં આવે. ઉપરાંત ઘાસચારો નિયત દરે અથવા સબસિડી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે તો સંચાલકોને મોટી રાહત મળી શકે છે. સાધુ-સંતો અને ગૌપ્રેમીઓએ ખાસ ભાર મૂક્યો હતો કે વરસાદની અછતને કારણે પશુધનને મુશ્કેલી પડે તે પહેલાં જ તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરવી જરૂરી છે. સમયસર ઘાસચારો ઉપલબ્ધ થશે તો ગૌશાળાઓમાં આશ્રિત હજારો ગાયોના જતનમાં રાહત મળશે અને પશુધનને હિજરત કે ભૂખમરાની સ્થિતિથી બચાવી શકાશે. રજૂઆતકારોએ એમ પણ જણાવ્યું છે કે, હાલમાં લીલો અને સુકો ઘાસચારાના ભાવ વધી ( આશરે બમણા ) ગયા છે. તેથી સરકાર તરફથી જે સબસિડી મળી રહી છે તેમાં રખરખાવ કરવો શક્ય બની રહ્યો નથી. તેથી તાત્કાલિક સહાય કરવામાં આવે તે જરૂરી છે.