જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ડોહળા અને ગટરના ગંદા પાણીની ફરિયાદો ઉઠી છે ત્યારે શહેરના તમામ ૧૬ વોર્ડમાં આવેલા ઇએસઆર અને સમ્પ (ટાંકા)ની સાફ સફાઇ કરાવવાની માંગણી રચના નંદાણીયાએ મેયરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, જામનગરના તમામ વોર્ડમાં થઇ શહેરમાં કુલ ૧૧ ઇએસઆર આવેલા છે તે તમામની સફાઇ કરાવવાની જરૂર છે, મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાના કારણે પાણીમાં દુર્ગંધ આવે છે, જેથી પાઇપલાઇન તાત્કાલીક રીપેર કરાવવાની પણ જરૂર છે. ડોહળુ ગટરવાળુ, વાસવાળુ પાણી આવવાના કારણે શહેરમાં ટાઇફોઇડ જેવી બિમારી વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશનના પાણીના સપ્લાયના ટાંકાઓની સફાઇ કરાવવામાં આવે તે જરૂરી છે.
આ ઉપરાંત તમામ વોર્ડમાંથી આવેલી પાણી અંગેની લેખિત અને મૌખીક ફરિયાદો વોર્ડવાઇસ એન્જીનિયરને આપીને આ તમામ ફરિયાદો દુર કરવાની જરૂર છે, કારણ કે ઇન્દોરમાં ગટરમીત પાણીથી અનેકના મોત થયા છે, આવા બનાવ જામનગરમાં ન બને તે માટે અને લોકોને પુરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળે તે માટે વ્યવસ્થા કરાવવાની જરૂર છે. સ્વચ્છ પાણી નહીં મળે તો આવનારા દિવસોમાં સ્ટેન્ડીંગ કમીટી બહાર ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ પત્રમાં આપી છે.