BREAKING NEWS

1500 પોલીસમેનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 21 બુલડોઝર ધણધણશે, જંગલેશ્વરમાં ૧૪૮૯ મકાનોનું સોમવારથી ડિમોલિશન

  • February 19, 2026 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૬માં ૮૦ ફૂટ રોડ અને કોઠારીયા રોડ વિસ્તારને લાગુ આજી નદી કાંઠાના જંગલેશ્વર વિસ્તારમાં નદી કાંઠાના તેમજ ટીપી રોડ ઉપરના કુલ ૧૪૮૯ જેટલા મકાનો સહિતના ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે સોમવારથી મેગા ડિમોલિશન હાથ ધરવા મહાપાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં ૧૫૦૦ જેટલા પોલીસમેનના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવશે. ડિમોલિશન કરતા પૂર્વે પોલીસ, પીજીવીસીએલ સહિતના અન્ય તમામ સરકારી વિભાગો સાથે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે. મેગા ડિમોલિશનની સમગ્ર કામગીરીનું સાત ઝોનમાં વિભાજન કરવામાં આવ્યું છે અને સાત ક્લાસ વન અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારનો ટીપી રોડ ખુલ્લો થાય અને આ વિસ્તાર સમગ્ર શહેરના અન્ય રોડ નેટવર્ક સાથે કનેક્ટ થાય તેવો હેતુ છે. આ ઉપરાંત આજી નદીમાં દર ચોમાસે આવતા પૂર વેળાએ અનેક નાગરિકોનું સ્થળાંતર કરવું પડતું હોય છે, બે વર્ષ પૂર્વે તો ઘોડાપુર આવ્યું ત્યારે નાગરિકોને રેસ્ક્યુ કરવા ગયેલી ટીમ પણ ફસાઇ જતાં તે ટીમને રેસ્ક્યૂ કરવી પડી હતી. ભવિષ્યમાં પૂર વેળાએ આવી સ્થિતિ ન સર્જાઈ તે માટે આજી નદી કાંઠાના ગેરકાયદે બાંધકામો અને દબાણોનું ડિમોલિશન કરવું જરૂરી હોય ધોરણસરની કાર્યવાહીને અંતે ડિમોલિશન કરવામાં આવનાર છે.


દરમિયાન વોર્ડ નં.૧૬ના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી કાંઠાના ૯૯૨ મકાનો અને ટીપી રોડ ઉપર ૮૦ ફૂટ રોડના બાપુનગર સ્મશાનથી નાડોદાનગર વિસ્તાર સુધીના ૪૯૭ મકાન મળીને કુલ ૧૪૮૯ જેટલા ગેરકાયદે બાંધકામ-દબાણો છે. આ તમામને ખાલી કરવા માટે અગાઉ નોટિસો અપાઈ ચૂકી છે, આમ છતાં આજે પણ સમજાવટ કરવા માટે ટીમ વિસ્તારમાં ફરી રહી છે પરંતુ જો સમજાવટ છતાં જો સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નહીં કરવામાં આવે તો પછી આવતાં સપ્તાહમાં સોમવારથી મેગા ડિમોલિશન કરાશે. ઉપરોક્ત દબાણકર્તાઓને મહાપાલિકા દ્વારા ઘણા સમય પહેલાં જ ૨૬૦(૨)ની અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે આમ છતાં દબાણ દૂર કરાતાં ન હોય હવે ડિમોલિશનની કાર્યવાહી કરવા તૈયારી શરૂ કરાઇ છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મેગા ડિમોલિશન માટે વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ સહિતના છ વોર્ડના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ તમામ વોર્ડમાંથી કુલ ૨૧ જેસીબી, ૨૬ ટ્રેકટર, બે હિટાચી, ૧૫૦ જેટલા મજુર, ૩૮ ગેસ કટર, ૧૮ ટ્રેકટર બ્રેકર મદદથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. મેગા ડિમોલિશન માટે અત્યારથી જ જેસીબી અને હિટાચી મશીનના ડ્રાઇવરના નામ તેમજ મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ તૈયાર કરી નાખવા પણ સુચના આપવામાં આવી છે.


કલેક્ટર હસ્તકની જમીનના ૧૩૫૭ દબાણો મામલે સ્ટે યથાવત રહેશે

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે ૧૩૫૭ જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી તે મામલે કાનૂની જંગ શરૂ થતા કોર્ટે સ્ટે આપ્યો હતો, આ સ્ટે યથાવત હોય ત્યાં ડિમોલિશન થશે નહી. મહાપાલિકાએ ટીપી રોડ અને નદીકાંઠાના જે ૧૪૮૯ દબાણોને નોટિસ આપી હતી હાલ તેનું જ ડિમોલિશન થશે તેમ જાણવા મળે છે.


રાધાકૃષ્ણનગરના આવેલા વેલનાથજી મંદિરને પણ તોડી પાડવા પણ નોટિસ

મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મેગા ડિમોલિશન અંતર્ગત રાધાકૃષ્ણ નગરમાં આવેલા વેલનાથજી મંદિરને પણ તોડી પાડવા નોટિસ અપાઇ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application