BREAKING NEWS

કલેક્ટર માત્ર રેવન્યુ પૂરતા સીમિત ન રહે, ગ્રાઉન્ડ લેવલ પર જઈ કામગીરી કરે: ડે. સીએમ હર્ષ સંઘવી

  • May 07, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને મહેસૂલ વિભાગના અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સાથે જ વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગતિશીલતા લાવવા માટે મહત્વની ટકોર કરી હતી.


પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "કલેક્ટર એ સાચા અર્થમાં જિલ્લાના વડા છે. તેમની જવાબદારી માત્ર રેવન્યુના કામો પૂરતી સીમિત નથી." તેમણે ભારપૂર્વક કહ્યું કે કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગો અને યુવાનોને રમતગમત તરફ વાળવા જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવો જોઈએ. રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોના સીએસઆર ફંડનો ઉપયોગ અન્ય રાજ્યોને બદલે જે-તે જિલ્લાના વિકાસ માટે જ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે કલેક્ટરોને સૂચના આપી હતી.


પાસા અને તડીપારની અરજીઓ પર ગંભીરતા જરૂરી

કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં તેમણે ટકોર કરી હતી કે, કલેક્ટરો પાસે આવતી પાસા અને તડીપારની અરજીઓ લાંબા સમય સુધી પડતર ન રહેવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, જ્યારે તમે કોઈ અરજી રિજેક્ટ કરો અને તે ગુનેગાર ફરી ગુનો કરે, ત્યારે વહીવટી તંત્ર પણ જવાબદાર ઠરે છે. ફાઇલ વાંચવાની સાથે પ્રપોઝલ મોકલનાર અધિકારીને સાંભળવા પણ એટલા જ જરૂરી છે, જેથી સાચી સ્થિતિ સમજી શકાય.


સ્વચ્છતા અને સુવિધામાં બાંધછોડ નહીં

સરકારી કચેરીઓની સ્થિતિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, કલેક્ટર ઓફિસના શૌચાલયો પ્રાઈવેટ ઓફિસ જેવા જ સ્વચ્છ હોવા જોઈએ. માત્ર સાહેબના ફ્લોર પર જ નહીં, પણ સમગ્ર કચેરીમાં સ્વચ્છતા હોવી અનિવાર્ય છે. સ્વચ્છતા સાથે બાંધછોડ કરતી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા તેમણે કડક સૂચના આપી હતી.


નાગરિકલક્ષી વહીવટ પર ભાર

નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે સામાન્ય નાગરિક કે એમ એસ એમ ઈ ઉદ્યોગ સાહસિકોને નાના કામ માટે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા જિલ્લા સ્તરે ઊભી થવી જોઈએ. સમગ્ર રાજ્યમાં રેવન્યુ વિભાગની એક જ એપ્લિકેશન હોવી જોઈએ જેથી વહીવટમાં સુસંગતતા રહે. અંતમાં, તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો કે કોઈપણ નિર્ણય લેતા પહેલા તે વિચારવું જોઈએ કે તેનાથી સામાન્ય જનતાને શું અસર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News