BREAKING NEWS

સોમનાથ 'હર હર મહાદેવ'થી ગુંજી ઉઠ્યું, શ્રાવણના પહેલા દિવસે ભક્તોનું ઘોડાપૂર, ઘરબેઠા કરો મહાદેવના શૃંગાર અને આરતીના દર્શન

  • August 13, 2026 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવ ઉપાસનાના પરમ પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાં જ સમગ્ર ગુજરાત શિવમય બન્યું છે. રાજ્યભરના તમામ શિવમંદિરો અને ધાર્મિક સ્થાનો ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના પવિત્ર નાદથી ગૂંજી ઉઠ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ઝરમર વરસાદી માહોલ વચ્ચે પણ શિવભક્તોનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી અને લોકો મહાદેવના દર્શન માટે લાંબી કતારોમાં શાંતિપૂર્ણ રીતે ઉભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે.


સોમનાથ તીર્થ ક્ષેત્ર ખાતે આજથી એક મહિના સુધી ચાલનારા ૩૦ દિવસીય ‘શ્રાવણ શિવ મહોત્સવ’નો ધામધૂમથી પ્રારંભ થયો છે. આ મહોત્સવ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો સુંદર ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યા હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ અત્યંત કડક કરવામાં આવી છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં સ્થાનિક પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી દરેક શ્રદ્ધાળુ સુરક્ષિત રીતે દર્શન કરી શકે.


શ્રાવણ મહોત્સવના શુભારંભ સાથે જ સોમનાથ મંદિર પરિસરમાં વિશ્વશાંતિ અને સર્વજનના કલ્યાણની પ્રાર્થના સાથે ૩૦ દિવસીય ૫૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાનપૂર્વક પ્રારંભ કરાયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ભક્તોની સુખાકારી અને વિશ્વ કલ્યાણ માટે સોમનાથ મહાદેવના ચરણોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી.


સોમનાથ ટ્રસ્ટ દ્વારા એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી બહારથી આવતા સામાન્ય ભક્તો પણ આ પવિત્ર મહામૃત્યુંજય મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી શકે. આ માટે દૈનિક ૯ અલગ-અલગ સ્લોટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે આહુતિ આપીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શકશે. સળંગ એક મહિના સુધી ચાલનારા આ યજ્ઞથી સમગ્ર સોમનાથ ધામ “ૐ ત્ર્યંબકં યજામહે...”ના દિવ્ય મંત્રોચ્ચારથી ગુંજાયમાન રહેશે.


આ ઉપરાંત, શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ વિવિધ અને મનોહર શૃંગારથી સજાવવામાં આવશે. જેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, અને કૃષ્ણ જન્મોત્સવ જેવા વિશિષ્ટ દર્શનનો સમાવેશ થાય છે. શ્રાવણના સોમવારો અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિશેષ સ્વાભિમાન શૃંગાર પણ કરવામાં આવશે. ભક્તો નિયત ન્યોછાવર રકમ અર્પણ કરીને આ શૃંગારના યજમાન બની શકશે, જેના બદલામાં ટ્રસ્ટ દ્વારા તેમને કોમ્પ્લીમેન્ટરી સોમેશ્વર મહાપૂજાનો લાભ પૂરો પાડવામાં આવશે.


સોમનાથમાં શ્રાવણ માસના તહેવારોનું સમયપત્રક જાહેર

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરે ઉજવાનારા તહેવારો અને મહત્વપૂર્ણ દિવસોનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ (શ્રાવણ સુદ પાંચમ) ના રોજ આવશે. ત્યારબાદ બીજો સોમવાર ૨૪ ઓગસ્ટ (શ્રાવણ સુદ બારસ), ત્રીજો સોમવાર ૩૧ ઓગસ્ટ (શ્રાવણ વદ ત્રીજ) અને ચોથો સોમવાર ૭ સપ્ટેમ્બર (શ્રાવણ વદ અગિયારસ) ના રોજ ઉજવાશે. તદુપરાંત, ૯ સપ્ટેમ્બરના રોજ શ્રાવણ વદ ચૌદશે માસિક શિવરાત્રિ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ શ્રાવણ વદ અમાસની વિશેષ ઉજવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News