BREAKING NEWS

રાજકોટના ધૌમ્ય અંજારિયાનો બોલીવૂડમાં ડંકોઃ 4000 કરોડની 'રામાયણ'માં આસિ. ડાયરેક્ટર, ફિલ્મના શૂટિંગની કહી ખાસ વાત

  • November 06, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવૂડની 4000 કરોડ રૂપિયાની સૌથી મોંઘી અને મેગા ફિલ્મ 'રામાયણ' ગઈકાલે શુક્રવારે વિશ્વભરમાં રિલીઝ થઈ ચૂકી છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે રામાયણના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ધૌમ્ય અંજારિયા રાજકોટના વતની છે અને તેમનો પરિવાર પણ રાજકોટમાં જ રહે છે. તેમના પિતા ચૈતન્યભાઈ અંજારિયા રાજકોટના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર તરીકે રહી ચૂક્યા છે. ધૌમ્ય અંજારિયાએ આજકાલ સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરી હતી અને રામાયણ ફિલ્મની શૂટિંગની સફર વિશે ઝીણવટભરી માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભગવાન રામની કૃપાથી રામાયણ ફિલ્મના શૂટિંગમાં એક પણ અડચણ આવી નથી.


આસિસ્ટન્ટ ડાયરેક્ટ તરીકે કેવી રીતે પસંદગી થઈ?

ધૌમ્ય અંજારિયાએ જણાવ્યું હતું કે, મારુ બાળપણ તો રાજકોટમાં જ વીત્યું છે. રામાયણ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટ તરીકેની પસંદગી વિશે કહે છે કે, મારી ઘણા સમયથી ઈચ્છા હતી કે, મોટી ફિલ્મમાં મને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાનો મોકો મળે. આથી મેં મારા મિત્ર જે રામાયણ ફિલ્મમાં જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતા તેને કોલ કર્યો હતો. બાદમાં હું તેને મળવા પહોંચ્યો અને મળીને ઘરે પહોંચ્યો ત્યાં મને ફોન આવ્યો કે, આવી જા આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે તારી પસંદગી કરવામાં આવી છે. બસ પછી તો પાછું વળીને જોયું નહીં અને પહોંચી ગયો રામાયણ ફિલ્મના શૂટિંગના સેટ પર. રામાયણ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે મેં મોડું જોઈન કર્યું હતું. રામાયણ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીનો પણ મને ખૂબ જ સપોર્ટ રહ્યો હતો.


2019માં રાજકોટથી મુંબઈમાં શિફ્ટ થયો

ધૌમ્ય અંજારિયા આગળ વાત કરતા જણાવે છે કે, મને ફિલ્મોમાં પહેલેથી જ રસ હતો. મારે 12 કોમર્સ પછી સીએ બનવું હતું પરંતુ પછી ખબર પડી કે સીએ બનવું મારું કામ નથી. 2018માં અંધાધૂંધ ફિલ્મ જોઈ અને પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડગ માંડવાનું સપનું જોયું. 2019માં રાજકોટથી મુંબઈમાં શિફ્ટ થયો અને ત્યાં મેં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. રામાયણ ફિલ્મમાં બધા ડિપાર્ટમેન્ટનું કોમ્યુનિકેશન મારી પાસે હતું. શૂટિંગમાં શિફ્ટ 12 કલાકની હોય છે પણ ક્યારેક 13 કલાક સુધી કામ કરવું પડતું હતું.


રામાયણ ફિલ્મમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો?

રામાયણ ફિલ્મના શૂટિંગમાં નવા નવા ઈક્વીપમેન્ટ અને ટેક્નો ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક્શન ટીમ ફોરેનથી આવી હતી. વીએફએક્સની સાથે મોશન ટેકનો ઉપયોગ કર્યો છે જે મારા ખ્યાલથી પહેલીવાર ભારતીય સિનેમામાં આ ટેક્નોલોજી આવી છે. મોશન ટેકમાં સીનમાં મુવમેન્ટ જોવા મળે છે. રામાયણ ફિલ્મમાં રાવણનો રોલ કરતા યશ કન્નડના છે તો કન્નડ ભાષમાં ડબ કરી છે. કન્નડમાં પણ ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.


મને ફેશનને પ્રોફેશનમાં બદલવાની ઈચ્છા થઈ

ભવિષ્યમાં મારે ડાયરેક્ટર બનવાનું સપનું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવવા માટે મેં ઘણો સંઘર્ષ કર્યો છે. યુવાનોને એક મેસેજ છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવો, સંઘર્ષ કરવો પડશે પણ હાર નહીં માનવાની, નિરાશ નહીં થવાનું. એકવાર તમે સંઘર્ષમાંથી પસાર થયા પછી કામ એટલું મળશે કે તમારે સામે ચાલીને ના પાડવી પડશે તેવી નોબત આવશે. મારે ભણવામાં સારા માર્ક્સ આવતા પણ મને ફેશનને પ્રોફેશનમાં બદલવાની ઈચ્છા થઈ એટલે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી ગયો. મેં બે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. જેમાં એક ચતુરનાથ અને બીજી આ રામાયણ ફિલ્મ.


ધૌમ્યએ આગળ ઉમેર્યું કે, મેં પહેલા મુંબઈમાં બે-અઢી વર્ષ એડ કરી. રાઈટિંગ મારો શોખ છે. લોકડાઉન વખતે મેં શોર્ટ ફિલ્મ લખી હતી. પરંતુ હવે આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યા પછી લખવાનો ટાઈમ રહેતો નથી. આગળ મારી ઈચ્છા ફિલ્મ લખવાની છે.


રામાયણ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ થયું

ધૌમ્ય અંજારિયાએ જણાવ્યું હતું કે, રામાયણ ફિલ્મનું આખું શૂટિંગ મુંબઈના ફિલ્મ સિટીમાં જ થયું છે. એક સીન મને આજે પણ યાદ છે અને તે જિંદગીભર ભૂલાય તેમ નથી. જ્યારે એપ્રીલ મહિનાની આકરી ગરમીમાં ખુલ્લા મેદાનમાં યુદ્ધના સિક્વન્સ સીનનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે એકસાથે 500 આર્ટિસ્ટના કોચ્યુમ, મેકઅપ કરાવવાની જવાબદારી મારા શિરે આવી હતી. આ દિવસે મેં આખો દિવસ પાણી ન પીધું કે ન ખાધું હતું. જ્યારે ડાયરેક્ટરે પેકઅપ કરવાનું કહ્યું ત્યારે મનને શાંતિ થઈ.

રણબીર કપૂર સાથે અનુભવ બહુ સરસ રહ્યો

ધૌમ્ય અંજારિયાએ જણાવ્યું કે, રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સરસ રહ્યો હતો. તેમની સાથે કામ કરવાનું મારું સપનું હતું જે રામાયણ ફિલ્મ શૂટિંગ દરમિયાન પૂરું થયું. રણબીર કપૂરનો હું બહુ મોટો ફેન છું અને વર્ષોથી તેમની સાથે કામ કરવાની ઈચ્છા હતી. રણબીર કપૂરે રિ-ટેક કરવાની ક્યારેય ના પાડી નથી. ટાઈમ પર આવી જતા અને બધા સાથે ડાઉન ટુ અર્થ જોવા મળતા હતા.


પરિવારે મને ક્યારેય ફોર્સ કર્યો નથી, પૂરતો સહયોગ રહ્યો

ધૌમ્યએ વધુમાં જણાવ્યું હતું, પપ્પાની જોબ એવી હતી કે જેમાં ટ્રાન્સફર આવતી હતી. ધો.10 મેં રાજકોટમાં કેન્દ્રીય વિદ્યાલયમાં કર્યું. જ્યારે ધો.12 મેં અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલયમાં કર્યું હતું. મારો જન્મ ભાવનગરમાં થયો પણ અભ્યાસ મેં ગુજરાતના અલગ અલગ શહેરોમાં કર્યો છે. વર્ષ 2000-2005માં, 2012-2017 અને 2019માં પપ્પાની નોકરી રાજકોટમાં હતી. છેલ્લે મુંબઈમાં રિટાયર થયા હતા. માતા હયાત નથી પણ તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. પરિવારે મને ક્યારેય ફોર્સ કર્યો નથી, તેમનો પૂરો સહયોગ રહ્યો અને આજે હું આસિસ્ટન્ટ ડાયરેક્ટરના પદ પર છું.

રાજકોટિયન્સો તમે રંગીલા અને મોજીલા જ રહેજો

ધૌમ્યએ ઉમેર્યું કે, મારું વતન જ રાજકોટ છે. રાજકોટ એ રાજકોટ છે. જ્યારે મુંબઈની લાઈફ અલગ છે. રાજકોટિયન્સો તમે જેવા છો તેવા જ રહેજો... રંગીલા અને મોજીલા. કાઠિયાવાડ આજે પણ મારા હૃદયમાં વસેલું છે. રાજકોટમાં મેં બહુ ચા પીધી અને ગાંઠિયા ખાધા છે. મેં ગઈ દિવાળી રાજકોટમાં જ કરી હતી.


આજકાલનો અમારા પરિવાર સાથે જૂનો નાતો

ધૌમ્ય અંજારિયાએ આજકાલ સાંધ્ય દૈનિકના પણ ભરપૂર વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, આજકાલ જૂનું અને જાણિતું અખબાર છે. આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી અને એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણીને પણ યાદ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ચંદ્રેશ અંકલને હું સારી રીતે જાણું છું અને તેઓ અમારા પરિવાર સાથે જોડાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application