ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષાઓ પૂરી થયા પછી ગુજકેટની પરીક્ષા અલગથી લેવામાં આવશે. આ પરીક્ષામાં દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે વધારાની છૂટછાટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જુદા જુદા નિયમો અને પરિપત્રોનો હવાલો ટાંકી બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જો 40% કે તેથી વધુ દિવ્યાંગ હોય તેવા કિસ્સામાં પરીક્ષાર્થીને પ્રત્યેક કલાક દીઠ વધુ 20 મિનિટ ફાળવવામાં આવશે. એટલે કે જો એક કલાકનું પેપર હોય તો વધારાની 20 મિનિટ, બે કલાકનું પેપર હોય તો વધારાની 40 મિનિટ અને ત્રણ કલાકનું પેપર હોય તો વધારાની 60 મિનિટ આવા પરીક્ષાર્થીઓને આપવાની રહેશે.
બોર્ડે વધુમાં જણાવ્યું છે કે દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા જ્યાં પરીક્ષા લેવામાં આવતી હોય તે બિલ્ડીંગના ભોંય તળિયે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની રહેશે. આવા બિલ્ડિંગમાં રેમ્પ અને વ્હીલ ચેર જેવી વ્યવસ્થા પણ રાખવી પડશે.
જે વિદ્યાર્થીઓને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા હોય અથવા તો 40% કે તેથી ઓછું વિઝન હોય તો તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સાદુ કેલ્ક્યુલેટર લઈ જવાની અને મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે આ વધારાના લાભ લેતા પૂર્વે જે તે પરીક્ષાર્થીએ સક્ષમ ઓથોરિટી પાસેથી દિવ્યાંગતા અને વિકલાંગતા નું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ આવું પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ તે અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
દરમિયાનમાં અત્યારે તો બોર્ડની પરીક્ષામાં રજા છે અને તારીખ 5 થી ફરી પરીક્ષાઓ શરૂ થશે. શનિવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં બીજા સત્રમાં અમદાવાદ ખાતે એક પરીક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાયો હતો અને અમદાવાદ ગ્રામ્યના પરીક્ષા કેન્દ્રમાં સામાન્ય પ્રવાહના બીજા સત્રમાં અન્ય એક વિદ્યાર્થી ડિજિટલ વોચ સાથે ઝડપાયો હતો અને તે બંને સામે ગેરરીતિના કેસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.