આજકાલના તણાવભર્યા જીવન, પ્રદૂષણ, અપૂરતી ઊંઘ અને ખરાબ ખાનપાનને કારણે ઘણા લોકો નાની ઉંમરે જ કરચલીઓનો શિકાર બની રહ્યા છે. ચહેરાની કુદરતી ચમક ગાયબ થવા લાગે છે અને ત્વચા ઢીલી પડી જાય છે. બજારમાં મળતી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ અસ્થાયી રાહત આપે છે, પરંતુ ત્વચાને અંદરથી યુવાન રાખવા માટે યોગ્ય પોષણ જરૂરી છે. નિષ્ણાતોના મતે, એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર ખોરાક લેવાથી આ સમસ્યાને મૂળમાંથી ઓછી કરી શકાય છે
ત્વચાને સદાબહાર અને કસાવવાળી રાખવા માટે રોજિંદા આહારમાં નીચેની ૫ વસ્તુઓ ઉમેરવી જોઈએ
૧. એવોકાડો (કુદરતી મોઇશ્ચરાઇઝર):- આ ફળમાં સોજા વિરોધી ફેટી એસિડ હોય છે, જે ત્વચાની નમી જાળવી રાખે છે. તેમાં રહેલા વિટામિન-A, C, E અને K ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે.
૨. પપૈયું (નેચરલ સ્ક્રબ):- વિટામિન્સ અને મિનરલ્સનો આ ખજાનો ત્વચાની લવચીકતા વધારે છે. તેમાં રહેલો 'પપૈન' નામનો એન્ઝાઇમ ચહેરાના મૃત કોષો (dead skin) ને દૂર કરીને અંદરનો નિખાર બહાર લાવે છે.
૩. અનાર/દાડમ (કોલાજન રક્ષક):- દાડમમાં 'પ્યુનિકલગિન' નામનું શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે. તે ત્વચાને ટાઈટ રાખતા જરૂરી તત્વ 'કોલાજન' ને સુરક્ષિત રાખે છે અને ઢીલાશ દૂર કરે છે.
૪. ટામેટાં (ટેનિંગથી બચાવ):- ટામેટામાં ભરપૂર માત્રામાં 'લાઈકોપીન' જોવા મળે છે, જે ત્વચાને તડકાથી થતા નુકસાનથી બચાવે છે. તેને રોજ ડાયેટમાં રાખવાથી ચહેરાની ત્વચા કસાયેલી રહે છે.
૫. ગ્રીન ટી (સેલ રિપેરિંગ): સવારની સામાન્ય ચા કે કોફીને ગ્રીન ટી સાથે બદલવાથી મોટો ફાયદો થાય છે. તેમાં રહેલું 'કેટેચિન' નામનું એન્ટી-ઓક્સિડન્ટ ડેમેજ થયેલા સ્કીન સેલ્સને રીપેર કરે છે અને ફ્રી-રેડિકલ્સ સામે લડે છે.