BREAKING NEWS

લાફાકાંડ વચ્ચે રાજકોટ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો. કમલ ડોડીયાની નિમણુંક: ડો.મોનાલી માકડીયાને ચાર્જ મુક્ત કરાયા

  • August 21, 2026 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ગઈકાલે રાત્રે સિનિયર મેડિકલ ઓફિસર ડો.અશ્વિન રામાણીએ જુનિયર ફિમેલ રેસિડેન્ટ ડો.ક્રિશા શીંગાળાને ગાળો ભાંડી ફડાકો મારી દીધાની ગુંજ છેક ગાંધીનગર સુધી સંભળાઈ હતી આ બનાવને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર ગણાવી મેડિકલ ઓફિસર સામે કડક પગલાં લેવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આ વચ્ચે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાને સુપ્રિન્ટેન્ડેન્ટના ચાર્જમાંથી મુક્ત કરતો અને નવા સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડો.કમલ ડોડીયાનો ઓર્ડર ગાંધીનગરથી આવતા સમગ્ર બનાવ ટોપ ઓફ ઘી ટાઉન બન્યો છે, જો કે, ઓર્ડરમા વહીવટી કારણોસર ચાર્જ મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના પણ અસર કરી ગઈ હોય તેમ પણ લાગી રહયું છે.


ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા ડો.કમલ ડોડીયા સોમવારે વિધિવત ચાર્જ સંભાળશે, તેમના કાર્યકાળની વાત કરીએ તો ઓપ્થેલ્મોલોજી વિભાગના વડા હોવાની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલ પણ રહી ચુક્યા છે, અને રાજકીય રીતે આરએસએસ સાથે પણ સંકળાયેલા છે, સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે પ્લાસ્ટિક અને બર્ન્સ વિભાગના વડા ડો.મોનાલી માકડીયા સોમવારે ડો.કમલ ડોડીયાને ચાર્જની સોંપણી કરશે. તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની સાથે બંધ કવરમાં થતા ટેન્ડર ને બદલે તમામ ટેન્ડર પ્રક્રિયા પણ ઓનલાઇન કરી વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવી હતી. ખાસ કરીને લિકર પરમીટમાં ચાલતી ગેરરીતિઓ સદંતર બંધ કરી હતી અને નિયમ મુજબ કામગીરી કરવામાં આવતા રાજકીય આલમમાં પણ તેમના માટે ખચવાટ પણ હતો. એકંદરે ઘણા સમય બાદ ડો.મોનાલી માકડિયાની કાર્ય પઘ્ધતિથી સિવિલ હોસ્પિટલમાં ઘણા ફેરફાર પણ જોવા મળ્યા હતા. જો કે ડો,કમલ ડોડીયા પણ નિયમોમોની લાઈનમાં ચાલનારા હોવાથી આવતા દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં કેવા ફેરફાર થશે એ જવું રહ્યું.​​​​​​​


ડો.મોનાલી માકડીયાએ અનેક વખત ચાર્જ મુક્ત કરવા રજૂઆત કરી હતી

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડો.મોનાલી માકડીયા પ્લાસ્ટિક અને સર્જરી વિભાગના વડા હોવાની સાથે વધારાનો સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ તેમની પાસે હતો આથી સવારે તેમના વિભાગમાં ઓપીડી અને સર્જરી બાદ બાકીનો સમય સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા. આથી બંને જગ્યાએ કામગીરી કરવી ખુબ કઠિન હોવાની સાથે સાથે કેટલીક અડચણો સહિતની બાબતો પણ અસર કરતા હોવાથી ડો.મોનાલી માકડિયાએ અગાઉ અનેક વખત ગાંધીનગર ખાતે લેખિત પણ તેમને સુપ્રિટેન્ડેન્ટ તરીકેના ચાર્જ માંથી મુક્ત કરવા માટે જણાવ્યું હતું. જયારે આજે તેમને ચાર્જમાંથી મુક્ત કરતા ચોક્કસ પણે ડો,માકડિયાએ સરકારનો આભાર માની ખુશી વ્યક્ત કરી હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application