દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને પાકિસ્તાનની નજીક આવેલી દરિયાઈ સીમાઓ અને કિનારાના બંદરો પર સુરક્ષા કડક બનાવવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠાનો વિસ્તાર પાકિસ્તાનથી ખૂબ જ નજીક છે. જે ઘ્યાને રાખી એસપી જયરાજસિંહ વાળા દ્વારા ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. જિલ્લાના સલાયા પોર્ટ તેમજ ઓખા દરિયાઇ પટ્ટી અને બેટ-દ્વારકા સહિતના દરિયાઇ વિસ્તારો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. જે અનુસંધાને ગઇકાલે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા દરિયાઇ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પોલીસ વડા દ્વારા દરિયામાં પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ શ કર્યું છે. દ્વારકામાં દરિયાકાંઠે આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે બપોર બાદથી સાંજ સુધી પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના જરૂરી પગલાં ભર્યા છે. જિલ્લાના ખાસ એવા જગતમંદિર ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર જિલ્લાના મહત્વના સ્થાનો પર પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. તેમજ યાત્રિકોને પણ અગવડ ન પડે તે મુજબની વ્યવસ્થા પણ ગોઠવી છે. તમામ યાત્રિકો પર પોલીસની ચાંપતી નજર રહેલી છે. બહારગામથી આવતા તેમજ જિલ્લામાંથી બહાર જતા તમામ વાહનો પર પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને જગતમંદિર, ભડકેશ્ર્વર, બેટ-દ્વારકા, નાગેશ્ર્વર, ઓખા પોર્ટ, શિવરાજપુર, મોમાઇ બીચ સહિતના દરિયાઇ પટ્ટી પર આવેલા ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ વિસ્તારો પર ડીવાયએસપી સાગર રાઠોડના જણાવ્યા મુજબ હથિયારધારી પોલીસ અધિકારીઓ તેમજ એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓએ યાત્રાધામ દ્વારકામાં આવનજાવન પર પણ નજર રાખી છે, તેમજ દરિયાઈ જેટીઓ, હોટલો અને ધાર્મિક સ્થળોએ ચેકિંગ કરીને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.