રાજયની સાથે હાલારની તમામ સરકારી શાળાઓમાં વેકેશન ખુલતા વાંચન, લેખન અને ગણન સુધારણાના જીસીઇઆરટીના ફતવાથી અનેક સવાલ ઉભા થયા છે. શાળાઓમાં ધો.૩ થી ૮ ના તમામ શિક્ષકોને પોતાના ધોરણ અને વિષય અનુરૂપ કામગીરી મીશન મોડમાં કરવા તાકીદ કરાઇ છે. અભ્યાસની સાથે નવી નવી શૈક્ષણીક અને બીએલઓની કામગીરીથી શિક્ષકોની કફોડી હાલત થઇ છે. બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે.
રાજયના સમગ્ર શિક્ષા અને જીસીઇઆરઇટી વિભાગ દ્રારા ૪ નવેમ્બરના જામનગર સહીત રાજયના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યાનુસાર રાજયના પ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાચન,લેખન અને ગણન કૌશલ્યમાં સુધારો કરવા માટે તા.૬ થી ૧૪ નવેમ્બર દરમ્યાન તમામ શાળામાં ધો.૩ થી ૮ ના તમામ શિક્ષકોએ પોતાના ધોરણ અને વિષય અનુરૂપ કામગીરી મીશન મોડમાં કરવા તાકીદ કરાઇ છે. આ અભિયાન અંતર્ગત શાળાના નિયત સમયપત્રક મુજબ જે તે વર્ગ શિક્ષક દ્રારા જે તે ધોરણ-વિષય અંતર્ગત મુખરવાચન, વાચન અર્થગ્રહણ, શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન અને ગણનની કામગીરી કરવાની રહેશે. આ સમયગાળ દરમ્યાન બાલવાટીકા અને ધો.૧-૨માં સમગ્ર શિક્ષા દ્રારા આપવામાં આવેલી સૂચના મુજબ નિપુણ પખવાડીયાની કામગીરી કરવાની રહેશે.
તદઉપરાંત ધો.૩ થી ૮ માં દરેક વિધાર્થી પાસે વાચન, ગણન, લેખન અંતર્ગત એક અલગ નોટબુક નિભાવવાની રહેશે. આ સમયગાળા દરમ્યાન તમામ સીઆરસી, બીઆરસી કો ઓર્ડીનેટર, બ્લોક રીસોર્સ પર્સન, કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ડાયટ વ્યાખ્યાતા દ્રારા નિયમિત રીતે શાળા અને વર્ગખંડ મુલાકાત દ્રારા જે તે વર્ગમાં થઇ રહેલા વાચન,લેખન અને ગણન કામગીરીનું મૂલ્યાંકન અને મોનીટરીંગ કરવાનું રહેશે.
આટલું જ નહીં દરેક સીઆરસી કો ઓર્ડીનેટરે પોતાની ટૂર ડાયરી મુજબ વર્ગખંડ અવલોકન કરવું. આ ઉપરાંતના સમયમાં બાકીના વર્ગખંડોમાં વાંચન,લેખન અને ગણન કામગીરીનું મૂલ્યાંકન કરવું. અભિયાન બાદ પણ ધો.૩ થી ૮ના કેટલા બાળકો અપેક્ષીત સ્તર સુધી ન પહોંચી શકયા હોય તેવું બને. પરંતુ જે તે વર્ગ શિક્ષક દ્રારા આ બાળકોની ઓળખ કરી લેવાની છે અને ૧૪ નવેમ્બર પછી પણ સતત આ બાળકો પર વિશેષ ઘ્યાન આપવા સૂચના અપાઇ છે. આગામી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન ધો.૩ થી ૮ ના તમામ બાળકોનું વાચન, લેખન, ગણનનું બાહ્રય મૂલ્યાંકન કરવામાં આવશે. આ મૂલ્યાંકનમાં બાળકો પોતાના ધોરણ મુજબના અપેક્ષિત સ્તરનું વાંચન, લેખન અને ગણનના અપેક્ષિત સ્તર પ્રાપ્ત નહી કરી શકે તો સંબધીતોની જવાબદારી નકકી કરવામાં આવશે.