જંકશન સ્ટેશન પર ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ ઉપર પટકાયેલા 90 વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. વૃધ્ધા દ્વારકા વતનમાં આટો મારવાની સાથે દર્શન કરવા માટે જતા હતા ત્યારે સ્ટેશન પર બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રાધીકા સોસાયટી પાછળ હરિદ્વાર-2 શેરી નં-5માં રહેતા ગંગાબેન ગોવિંદભાઈ કંસારા (ઉ.વ.90)નામના વૃધ્ધા તા.29-4ના પુત્રવધુ જમનાબેન સાથે દ્વારકા વતનમાં આટો દેવા અને દર્શન કરવા ટ્રેન મારફતે જવા માટે જંકશન સ્ટેશન પર ઉભા હતા દરમિયાન ટ્રેન આવતા વૃધ્ધા ચડવા જતા ગિરદીમાં પ્લેટફોર્મ પર પટકાયા હતા. પુત્રવધુ સહિતના લોકોએ વૃધ્ધાને સિવિલમાં ખસેડ્યા હતા. માથા અને શરીરના ભાગે ઇજા થવાથી ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલવે પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા. વૃધ્ધાના પતિ હયાત નથી,સંતાનમાં ત્રણ પુત્ર-ચાર પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.