BREAKING NEWS

હવામાં વિમાનનું એન્જિન ફેલ થતાં 40 મુસાફરોના શ્વાસ અધ્ધર: દિલ્હી એરપોર્ટ પર એલાયન્સ એર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

  • September 11, 2026 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રયાગરાજથી દિલ્હી આવી રહેલી એલાયન્સ એરની એક ફ્લાઇટમાં શુક્રવારે બપોરે હવામાં જ અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં તેનું એન્જિન ફેલ થઈ ગયું હતું. આ ભયાનક ઘટના બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત તમામ 40 મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. એન્જિન ફેલ થયાની જાણ થતાં જ એરપોર્ટ પર 'ફુલ ઇમરજન્સી' જાહેર કરી દેવામાં આવી હતી અને બપોરે આશરે 2:15 વાગ્યે પાઇલટની સૂઝબૂઝથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું હતું.

મળતી માહિતી મુજબ, એલાયન્સ એરની ફ્લાઇટ નંબર 9I 698 એ પ્રયાગરાજથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. દિલ્હી પહોંચતા પહેલાં હવામાં જ વિમાનના બે એન્જિનમાંથી એક એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેરઠ નજીક પાઇલટને આ ગંભીર સમસ્યાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને સ્થિતિથી માહિતગાર કર્યા હતા અને ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી. વિમાન સુરક્ષિત ઉતરતાં જ મુસાફરો અને એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.


નોંધનીય છે કે, છેલ્લા બે અઠવાડિયામાં એલાયન્સ એરના વિમાનોમાં સુરક્ષા સંબંધિત આ બીજી મોટી ખામી સામે આવી છે. આ અગાઉ 28 ઓગસ્ટના રોજ દિલ્હીથી છત્તીસગઢના બિલાસપુર પહોંચેલી ફ્લાઇટ (9I 613) નું લેન્ડિંગ કરતી વખતે ડાબી બાજુનું ટાયર ફાટી ગયું હતું, જેના કારણે રનવે પર ઘર્ષણ થતાં તણખા ઝર્યા હતા. તે સમયે પણ 37 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ આબાદ બચ્યા હતા. ટૂંકા ગાળામાં સર્જાયેલી આ બે ઘટનાઓને કારણે એરલાઇનના મેન્ટેનન્સ અને સુરક્ષાના ધોરણો પર ગંભીર સવાલો ઊભા થયા છે.


​​​​​​​એલાયન્સ એર ભારતની એક અગ્રણી પ્રાદેશિક અને સંપૂર્ણ સરકારી માલિકીની એરલાઇન છે. તેની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની 'ઉડાન' (UDAN) યોજના હેઠળ દેશના નાના શહેરોને મોટા મેટ્રો શહેરો સાથે હવાઈ માર્ગે જોડવાનું કામ આ એરલાઇન કરે છે અને તેના તાબા હેઠળ મુખ્યત્વે એટીઆર અને ડોર્નિયર જેવા નાના વિમાનો કાર્યરત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News