ઉત્તરાખંડમાં આવેલા પવિત્ર તીર્થધામ શ્રી હેમકુંડ સાહેબની યાત્રાએ આવી રહેલા 90 થી વધુ પાકિસ્તાની શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાન સરકારે એરપોર્ટ પર જ રોકી લેતાં મોટો વિવાદ સર્જાયો છે. ભારત તરફથી કાયદેસરના વિઝા મળ્યા હોવા છતાં પાકિસ્તાનના ઇમિગ્રેશન અધિકારીઓએ આ શ્રદ્ધાળુઓને ભારત જતી ફ્લાઇટમાં સવાર થવાની મંજૂરી આપી ન હતી. આ સમગ્ર ઘટના પાકિસ્તાનના ફેસલાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાઓ અને બાળકો સહિત આશરે 92 પાકિસ્તાની શીખ યાત્રાળુઓ ભારત આવવા માટે પરોક્ષ (ઇનડાયરેક્ટ) ફ્લાઇટ પકડવા ફેસલાબાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓએ તેમને ખાડી દેશો તરફ જતી એરલાઇનના વિમાનમાં ચઢતા અટકાવ્યા હતા. અધિકારીઓએ શ્રદ્ધાળુઓને રોકવા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યા હતા, જેમાં પ્રથમ તો યાત્રિકો પાસે રિટર્ન (વાપસીની) ટિકિટ ન હતી અને બીજું તેમની પાસે પાકિસ્તાનની સંઘીય સરકારનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન હતું.
પાકિસ્તાની સંઘીય સરકારના અન્ય એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ શ્રદ્ધાળુઓએ દિલ્હી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા વ્યક્તિગત રીતે ભારતીય વિઝા મેળવ્યા હતા. સરકારી નિયમો મુજબ, તેમણે 'પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી' (PSGPC) સાથે સમન્વય સાધીને મુસાફરી કરવી જોઈતી હતી અને વિમાનના બદલે વાઘા બોર્ડરના જમીની માર્ગે ભારત પ્રવેગ કરવો જોઈતો હતો. સરકારે જણાવ્યું કે NOC અને વાપસી ટિકિટ રજૂ કર્યા બાદ જ તેમને આગળ જવાની મંજૂરી અપાશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં ફેસલાબાદ એરપોર્ટ પર અટવાયેલા એક પાકિસ્તાની શીખ શ્રદ્ધાળુએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારી પાસે તમામ કાયદેસરના દસ્તાવેજો હોવા છતાં અધિકારીઓએ અમને ભારત જતા રોક્યા છે અને અમે છેલ્લા 4 કલાકથી વધુ સમયથી એરપોર્ટ પર અટવાયેલા છીએ. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સરકારને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યાત્રાળુઓને તેમની ધાર્મિક મંજિલ સુધી પહોંચાડવા માટે મદદ કરવાની અપીલ કરી છે. વિડિયોમાં નાના બાળકો અને મહિલાઓ સાથેના અનેક શીખ પરિવારો એરપોર્ટ પરિસરમાં લાચારીથી રાહ જોતા નજરે પડે છે.