જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાય ઓવરનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ફલાય ઓવર પર આખરે વાહનો દોડતા થયાં હતાં, બીજી તરફ ધનવંતરી ઓડીટોરીયમ ખાતે રૂ. ૬૨૨ કરોડના લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ એવી મહત્વની જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં આખા જામનગરને દૈનિક પાણી મળતું થઇ જશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આયુર્વેદના સેન્ટરે આપેલી વૈશ્ર્વિક ઓળખની વાત કરી હતી, બીજી તરફ શહેરને સ્વચ્છ રાખવાની પણ ટકોર એમના દ્વારા કરવામાં આવી હતી.
પોતાના ઉદબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જામનગર શહેરને દિન-પ્રતિદિન સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશનના મેયર અને કમિશ્નર ઘ્યાન આપે છે, શું એવું નથીને કે અમે આવીએ ત્યારે જ તમારૂ જામનગર સ્વચ્છ રહે છે ? અહીં સફાઇ કામદારો સારી કામગીરી કરે છે અને આગામી દિવસોમાં પણ જામનગરને વધુને વધુ સ્વચ્છ રાખવા પ્રયત્નો કરાશે, ડબલ્યુએચઓના આર્યેવેદીક સેન્ટરના કારણે જામનગરને વધુ એક વખત વૈશ્ર્વિક કક્ષાની ઓળખ મળી છે, ત્રણ દિવસમાં રાજકોટમાં રૂ.૫૪૫ કરોડ, ગાંધીધામમાં રૂ.૧૭૬ કરોડ અને ૫૦૩ કરોડ, છોટીકાશીમાં રૂ.૬૨૨ કરોડના વિકાસ કામોનું ખાતુમુર્હુત અને લોકાર્પણ થયું છે.
વખતોવખત ગ્લોબલ વોર્મિંગ આવી રહી છે ત્યારે દરેક નાગરીકે સમજીને એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવો જોઇએ, જામનગરનો ફલાય ઓવર કદાચ ગુજરાતમાં બીજો ફલાય ઓવર હોઇ શકે છે, કોર્પોરેશનની ફાઇનાન્સ વ્યવસ્થા વધી છે ત્યારે લાંબા સમય સુધી વિકાસ કરવો જોઇએ, પહેલા લાખનો આંકડો હતો તે હવે કરોડોમાં પહોંચી ગયો છે તેમ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આયુર્વેદ ઓડીટોરીયમ ખાતે યોજાયેલા લોકાર્પણ-ખાતમુર્હુત પ્રસંગે જણાવ્યું હતું.
શીખ ધર્મના નવમાં ગુરૂ ગુરૂ તેજબહાદુરજીને યાદ કર્યા હતાં, તેઓ દ્વારકામાં પણ સામેલ હતાં, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર આપીને દેશના લોકોની સુખાકારી વધે અને ગરીબોનું કલ્યાણ થાય તે માટે પ્રયત્નો કર્યા છે તે આ સરકારે જાળવી રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે, આજે જામનગરમાં ૬૯ ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે, જે કહેવું તે કરવું તે શિર્ષક હેઠળ સરકાર કામ કરી રહી છે, ભૂતકાળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસનો મજબુત પાયો નાખ્યો છે અને તેને લીધે ૯૦ ટકા કેપીટલ બજેટ પહોંચી ગયું છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જેમ-જેમ વિકાસ ડેવલોપ થાય છે તેમ-તેમ કામ પુરૂ થયા બાદ નવા કામ માટેનો વિકાસ કરવાનો છે, પરંતુ જુના કામ પણ મગજમાં રાખવાના છે, કામ થયું નથી અને દોડીને આપણને બતાવે છે, વડાપ્રધાને ૨૦૧૦માં કહ્યું હતું કે, વિકાસના કામોમાં ૧ રૂપિયાનો ખર્ચો કર્યો નથી તેવા લોકો આ બધુ બોલે છે, ગુજરાતમાં કેટલીક કુદરતી આફતો આવી છે તેને પણ સરકારે સહાય કરીને દુર કરી છે.
પાણી વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, જામનગરના લોકોને હવે દરરોજ પાણી મળે તે પ્રકારનું આયોજન થયું છે, પરંતુ લોકોએ પણ પાણીનો બગાડ ન થાય તે જોવું જોઇએ, જયારે વધુને વધુ ગ્લોબલ વોર્મિંગ આવી રહી છે ત્યારે લોકોએ એક-એક ઝાડ ઉગાડવાની જરૂર છે. જામનગરના આયુર્વેદ યુનિ.ઇન્સ્ટીટયુટ અને ગ્લોબલ સેન્ટરને કારણે ૨૦૨૦થી જામનગર વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે, ડબલ્યુએચઓ દ્વારા મેડીશન સેન્ટર શરૂ કરાવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સૌ પ્રથમ ગ્લોબલ ટ્રેડીંગ સેન્ટર જામનગરના આંગણે લાવ્યા છે, દેશી દવાને પણ વિશ્ર્વમાં સ્થાન મળ્યું છે અને આ સેન્ટર થકી જામનગરનું ગૌરવ પણ વઘ્યું છે. કુદરત સામે કોઇપણ ટકી શકતું નથી તે વાત આપણે કોવીડમાં જોઇ છે એટલે જ વિરાસત અને વિકાસ સંસ્કૃતિને આપણે સૌ જાળવી રાખીએ, આજે મોબાઇલનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે, વિદ્યાર્થીઓને મોબાઇલ બહાર મુકીને હોલમાં આવો તેવું કહેવાય તો તેઓને હાર્ટ બહાર મુકવાનું હોય તેવો આઘાત લાગે છે, એટલે જ જેટલું ગ્રીન કવર વધશે તે આપણા બધાના માટે ખુબ જ ફાયદાકારક બની રહેશે. જામનગરના ફલાય ઓવરને મુખ્યંત્રીએ વખાણ્યું હતું અને કહ્યું હતું કે, આનાથી ટ્રાફીક સમસ્યામાં ઘટાડો થશે.
પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ કહ્યું હતું કે, વિકાસ કામોનું ઉદઘાટન એ આઇકોનીક બ્રિજનું ઉદઘાટન કહેવાય. આવું બ્રિજ કયાંય જોયો નથી, અમારી સરકારે વડાપ્રધાન મોદીજી જે વ્યવસ્થા મુકી ગયા છે તે જાળવી રાખી છે, ગુજરાત સરકારનું બજેટનું કમીટેડ ખર્ચ હવે ૪૪ ટકા થઇ ગયું છે, ખાસ કરીને કર્મચારીનો પગાર, વ્યાજ અને પેન્શન મહત્વના છે, જયારે માવઠુ થયું ત્યારે મુખ્યમંત્રીએ અમો તમામ મંત્રીઓને ગામડામાં દોડાવ્યા હતાં, ૧૬૫૦૦ જેટલા ગામો માવઠાથી અસરગ્રસ્ત થયા છે તેમાં સરકારે રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. અમારી સરકારે એવું જાહેર કર્યુ છે કે, જે પણ રસ્તા બગડયા હોય તે ૧૫ દિવસમાં રીપેર કરાવો, ૨૦૦૫માં જે રીતે વિકાસ વર્ષની ઉજવણી થઇ હતી તે રીતે ૨૦૨૫માં વિકાસ વર્ષ ઉજવવું જોઇએ. આ ફલાય ઓવરથી જામનગરની સુવિધામાં ખુબ જ વધારો થયો છે.
સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રનો મોટામાં મોટો પોણા ચાર કીલોમીટરનો ફલાય ઓવર આજે આપણને મળ્યો છે અને જામનગરની સુવિધામાં ખુબ જ વધારો થશે, જામનગર હવે ટાયર થ્રી સીટી છે આવા શહેરમાં આવી સુવિધા મળી છે અને બોટલનેક સમસ્યાનો પરમેનન્ટ નિવારણ થયું છે. સુભાષબ્રિજથી દ્વારકા રોડ તરફ જઇ શકીએ છીએ, રિલાયન્સ, જીએસએફસી અને ન્યારા જેવી કંપનીઓ પણ આવેલી છે અને આ બ્રિજથી ટ્રાફીક ભુતકાળ થઇ જશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આપણા મુખ્યમંત્રી અને મહાનુભાવો જે કામનું ખાતમુર્હુત કરે છે તે કામનું લોકાર્પણ પણ કરે છે, વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ એવું કહ્યું હતું કે, તમે ઉદઘાટન કરો નહીંતર અમો કરી દઇશું, આવા લોકોને લીંબડજશ ખાટવા સિવાય કંઇ આવડતું નથી. જામનગર થ્રી ટાયર સીટી બન્યું છે ત્યારે શહેરના વિકાસની આ પ્રતીતિ છે, એકાદ-બે શહેરમાં જ આવી સુવિધા મળી હશે. આજકાલ સોશ્યલ મીડીયામાં વારંવાર અફવા ફેલાવવી તેવો ટ્રેન્ડ શરૂ થયો છે, આમા પોલીટીકલી સ્પોન્સર આવે છે, ખોટા પ્રચાર અને આવા તત્વોને ઉખાડીને ફેંકી દેવાનું કામ કરવું છે, જે લોકો જ્ઞાતિવાદ કરે છે તેને પણ હવે દુર રાખવા જોઇએ.
બિહારની જનતાએ એનડીએને જીત આપીને બીજા પક્ષને જાકારો આપ્યો છે, સુરક્ષા, સમરસતા અને પ્રગતિ કેન્દ્રીય સરકાર સતત આપતી રહે છે, જામનગરમાં આ નવો ફલાય ઓવર બનવાથી લોકોની સુવિધામાં ચોકકસપણે વધારો થશે. મેયર વિનોદ ખીમસુરીયાએ મુખ્યમંત્રીનું સ્વાગત કરીને પાંચમાં મહીનામાં બીજી વખત જામનગર આવીને રૂ.૬૨૨ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવા બદલ જામનગરના શહેરીજનો વતી આભાર માન્યો હતો.
આ તકે કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, રાજયમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયીબેન ગરચર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં, આ ઉપરાંત જિલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. ડો.રવિ સૈની સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી આ ઉપરાંત જામ્યુકોના પદાધિકારીઓ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, દિલીપભાઇ ભોજાણી, અભિષેક પટવા અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
ધન્વંતરી ઓડીટોરીયમના કાર્યક્રમ પહેલા સાતરસ્તા સર્કલ પાસે મુખ્યમંત્રીએ ફલાય ઓવરને લોકો માટે ખુલ્લો મુકયો હતો. આ કાર્યક્રમમાં કમિશ્નર અને કલેકટરે મુખ્યમંત્રીને મીલેટ આપી સ્વાગત કર્યુ હતુું, ત્યારબાદ કેબીનેટ મંત્રી મોઢવાડીયાનું ડીડીઓ અંકીત પન્નુએ, રાજયમંત્રી રિવાબા જાડેજાનું અધિક કલેકટર ભાવેશ ખેરે, સાંસદ પૂનમબેન માડમનું ટ્રેઇની આઇએસ અદીતીએ, મેયર વિનોદ ખીમસુરીયાનું ભાવેશ જાનીએ, ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું હિતેષ પાઠકે, મેઘજીભાઇ ચાવડાનું જીગ્નેશ નિર્મલે, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયીબેનનું ડે.ડીડીઓ વિરલબેને અને ભાજપના શહેર પ્રમુખ બિનાબેનનું અંજનાબેને સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ મહાપાલીકાના પદાધિકારીઓ શહેર અને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતું.