BREAKING NEWS

દરખાસ્તથી અંતિમ રિપોર્ટ સુધી બધું જ ઓનલાઇન: ગુજરાતમાં સરકારી યોજનાઓના મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ: પેપરલેસ વહીવટને વેગ મળશે

  • November 27, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરવામાં આવતા મૂલ્યાંકન અભ્યાસની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે વહીવટી કામગીરીને વધુ ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાના હેતુથી ‘ટ્રાન્સફોર્મિંગ સર્વે ઈકોસિસ્ટમ વેબ પોર્ટલ’ વિકસાવ્યું છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ પોર્ટલના અમલીકરણથી સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસમાં સમયનો બચાવ થવાની સાથે કામગીરીનું રિયલટાઈમ મોનિટરિંગ પણ શક્ય બનશે.


આ નવી વ્યવસ્થા હેઠળ હવે યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે દરખાસ્ત મોકલવાથી લઈને તેની ડિઝાઇન, મેથોડોલોજી અને અંતિમ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરવામાં આવશે. આ માટે સચિવાલયના વિવિધ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને યુઝર આઈડી તથા પાસવર્ડ ફાળવવામાં આવ્યા છે. સંબંધિત વિભાગના અધિકારીઓ જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે મૂલ્યાંકન અભ્યાસની દરખાસ્ત સીધી ઓનલાઇન સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.


સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામક, મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે. ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા અભ્યાસની આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાના દરેક તબક્કાની પ્રગતિ પોર્ટલ પર જોઈ શકાશે. પરિણામે દરખાસ્ત કયા તબક્કે છે, તેની કામગીરીમાં કેટલો સમય લાગ્યો છે અને અભ્યાસની સ્થિતિ શું છે તેની સતત માહિતી ઉપલબ્ધ રહેશે.


આ નવી વ્યવસ્થાના સુચારુ અમલીકરણ માટે આજે 27 નવેમ્બરે સચિવાલય ખાતે વિવિધ વિભાગોના પ્રતિનિધિ અને નોડલ અધિકારીઓ માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પોર્ટલના ઉપયોગ અને ઓનલાઇન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.


સરકારની આ પહેલથી મૂલ્યાંકન અભ્યાસની પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા ઘટશે અને વિવિધ યોજનાઓના પરિણામોનું વધુ વ્યવસ્થિત તથા સચોટ વિશ્લેષણ કરવામાં મદદ મળશે. ઉપરાંત, સરકારી યોજનાઓની અસરકારકતા આધારે નીતિગત નિર્ણયો લેવામાં પણ આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application