રાજકોટ શહેરમાં સ્પા સેન્ટર અને રહેણાંક વિસ્તારોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે રાજકોટ શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમોએ ચોક્કસ બાતમીના આધારે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને દેહવ્યાપારના બે રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ બંને કાર્યવાહીમાં પોલીસે કુલ ચાર યુવતીઓને મુક્ત કરાવી છે અને સંચાલક તથા સંચાલિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ઘટનામાં, રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મવડી ચોક નજીક આવેલા શિવમ બિલ્ડીંગમાં ‘ઓરેન્જ વેલનેસ ફેમેલી સ્પા’ નામના સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળી હતી. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસ ટીમે સૌપ્રથમ એક ડમી ગ્રાહકને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક પાસેથી સ્પામાં એન્ટ્રી ફી પેટે રૂ. ૧,૦૦૦ અને ત્યારબાદ અનૈતિક પ્રવૃત્તિ માટે અલગથી રૂ. ૩,૦૦૦ લેવામાં આવ્યા હતા. ગ્રાહક તરફથી ગ્રીન સિગ્નલ મળતા જ પોલીસની ટીમે સ્પા પર દરોડો પાડ્યો હતો.
મવડી ચોક ખાતેના આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૪,૦૦૦ રોકડા અને રૂ. ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૯,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે સ્પાના સંચાલક મહેશભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ. ૩૬)ની ધરપકડ કરી છે અને ત્યાંથી બે યુવતીઓને મુક્ત કરાવી છે. આરોપી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજી ઘટનામાં, પ્રદ્યુમન નગર (પ્ર. નગર) પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેસકોર્સ પાર્ક જેવા રહેણાંક વિસ્તારમાં કૂટણખાનું ચાલતું હોવાની હકીકત સામે આવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેસકોર્સ પાર્કમાં સરસ્વતી શીશુ વિદ્યામંદિર સ્કૂલની બાજુની શેરીમાં બ્લોક નં. ૫૩ પાસે આવેલા ફ્લેટ નં. ૨માં ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ફ્લેટમાં ભાડેથી રહેતા શિલ્પાબેન ગીરીશભાઈ માણેક (ઉં.વ. ૬૦) બહારથી યુવતીઓ અને ગ્રાહકોને બોલાવી, ગ્રાહક દીઠ રૂ. ૧,૦૦૦ વસૂલીને દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા.
રેસકોર્સ પાર્કના ફ્લેટમાંથી પોલીસે રોકડા રૂ. ૩,૫૦૦ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અહીંથી પણ બે યુવતીઓને મુક્ત કરાવી છે અને સંચાલિકા શિલ્પાબેન માણેક વિરુદ્ધ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પોશ અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાતા સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી છે.