જામનગર સહિત સમગ્ર હાલારમાં કમળાના રોગે દેખા દીધી છે, જામનગરમાં દિ.પ્લોટ ૫૮માં ગરબી ચોક પાસે રહેતા ૩૪ વર્ષના એક યુવાનનું કમળાના કારણે મોત થયું છે, જયારે ખાનગી હોસ્પિટલમાં કમળાના ૩ દર્દીઓ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસના કુલ ૧૯૦ જેટલા દર્દીઓ જોવા મળ્યા છે જેમાંથી જી.જી.હોસ્પિટલમાં ૧૦ દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ દિ.પ્લોટ-૫૮ ગરબી ચોકમાં રહેતા ૩૪ વર્ષના કચ્છી ભાનુશાળી રવિ મોહનભાઇ કટારમલને કમળો થયા બાદ જી.જી.હોસ્પિટલમાં દાખલ થયા હતાં, ત્યારબાદ કમરી ગાંઠ થઇ જવાના કારણે સારવાર દરમ્યાન તેનું બે દિવસ પહેલા મોત થયું હતું. આમ કમળાથી વધુ એક મોત થયું છે જયારે એસ.ટી. રોડ પર આવેલા ખાનગી દવાખાનામાં અલગ-અલગ સ્થળોએ ત્રણ યુવાનને કમળો થયો હોવાથી સારવાર આપવામાં આવી રહી છે.
જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓ દવા લેવા આવ્યા હતાં જેમાં ૭૦થી વધુ દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું, ઉપરાંત ૧૦ દર્દીઓના ગઇકાલે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ખાનગી હોસ્પિટલમાં પણ જામનગર શહેર અને ગામડામાંથી દર્દીઓ દાખલ થઇ રહ્યા છે, બપોરના ૧૧ થી ૫ ગરમી તેમજ સવાર-સાંજ ઠંડીનો માહોલ જોવા મળે છે, તેના કારણે કફ, પીત અને શરદીના દર્દીઓ વધી ગયા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ ગરમ પાણી, હળદર, આદ, મધ લેવાથી શરદી, ઉધરસમાં સારી એવી રાહત થાય છે, એક તરફ જામનગર શહેરમાં કમળાથી મોત થઇ ચૂકયું છે જયારે બીજી તરફ કમળાના ૩ દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે, જયારે ગામડાઓમાં પણ તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન હસ્તકના ૧૨ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પણ સામાન્ય કરતા ૨૫ ટકા જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના જોવા મળ્યા છે. આ તમામને શીરપ અને શરદીની દવાઓ આપવામાં આવે છે.
આગામી દિવસોમાં પણ ઠંડી વધુ પડવાની પણ શકયતા છે ત્યારે તાવ, શરદી, ઉધરસના કેસો વધશે તેમ મનાય છે અને ડોકટરોના કહેવા મુજબ સવાર અને સાંજ હુંફાળુ ગરમ પાણી પીતા રહેવું જોઇએ જેના કારણે આ પ્રકારના કેસોમાં થોડો ઘણો ઘટાડો થાય. આમ જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાએ ફરીથી માથુ ઉંચકયું છે.