BREAKING NEWS

વડોદરાના તાંદલજામાં નકલી PSI ઝડપાયો, રોફ ઝાડી આ રીતે જમીનના સોદા અને ઉઘરાણાનો ખેલ પાડતો

  • January 20, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વડોદરાના તાંદલજામાં નકલી પીએસઆઈ ઝડપાયો છે. જે લોકોને દમદાટી આપી જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો. પોલીસને તેની પાસેથી પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે. પોલીસે તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. 


વડોદરા એસઓજીને તાંદલજા વિસ્તારમાં ઝમઝમ ટાવર પાસે અલ કબીર બંગ્લોઝમાં રહેતો ડુપ્લીકેટ પોલીસ તરીકે રોફ ઝાડતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે ગઈકાલે તેના બંગલા પર દરોડો પાડયો હતો. પોલીસે દરવાજો ખખડાવી મોબિનના નામે બૂમો પાડતાં તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે અંદર પહોંચી જઈ સોફા પર બેઠેલા મોબિન સોદાગરને ઘેરી લીધો હતો.


પોલીસે મોબિનને બંગલાની બહાર પાર્ક કરેલી બે કાર વિશે પૂછપરછ કરતાં ક્રેટા કાર તેની પત્ની શાહીનબાનુના નામે હોવાની તેમજ અર્ટીકા કાર સોદાગર ચેરીટેબલ ટ્રસ્ટના નામની હોવાની અને આ બંને કારનો પોતે ઉપયોગ કરતો હોવાને કબુલાત કરી હતી. જેથી પોલીસે બંને કારમાં સર્ચ કરતા અંદરથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ, ખાખી કલરનું પેન્ટ, પીએસઆઇ એમ આઇ સોદાગર લખેલી નેમ પ્લેટ, ગુજરાત પોલીસ લખેલો પટ્ટો, ગાંધીનગરના ડીએસપી એમ જે ચાવડાની સહીવાળું એસઆઈટીનું આઈ કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પોલીસ લખેલી નેમ પ્લેટ, પોલીસની કેપ સહિતની ચીજો મળી આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં મોબિન ઈકબાલ સોદાગરે કબૂલી લીધું હતું કે તે પોતે રાજ્યનો સેવક નથી અને પીએસઆઇ બનીને હાલોલ તેમજ આસપાસના ગામોમાં ફરી રહ્યો છે. ડ્રાઇવરોને દમદાટી આપી ઉઘરાણા કરતો હતો અને જમીનના સોદામાં સમાધાન પણ કરાવતો હતો. જેથી પોલીસે તેના ત્રણ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


પોલીસે વધુ તપાસ કરતા મોબીનના નામનો પશ્ચિમ મામલતદારની સહીવાળો આવકનો બોગસ દાખલો પણ મળી આવ્યો હતો. જેમાં વાર્ષિક રૂ.90,000ની આવક દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસ ગુજરાત, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર, ગાંધીનગર ડીએસપી, ડીએસપી એસઆઇટી ગુજરાત, પંચમહાલ સુપ્રિટેન્ડેન્ટ, વકફ કમિટી વડુ સહિતના સિક્કા અને દસ્તાવેજ પણ મળી આવ્યા હતા.

પોલીસને તપાસ દરમિયાન મફત શીવાભાઈ ચુનારાના નામનું આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો પણ મળ્યા હતા. જે બાબતે પૂછપરછ જ કરતા મોબીને થોડા સમય પહેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ખાતે મફત શીવાભાઈ ચુનારા નામે એક વીઘા જમીન લીધી હોવાની અને સોદાગર ટ્રસ્ટના નામથી રૂપિયા ચૂક્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application