BREAKING NEWS

બોલિવૂડના મહાનાયકને જોવા ફેન્સ બેકાબૂ થયા, ધક્કા મુક્કીમાંથી અમિતાભ બચ્ચનને માંડ માંડ બચાવ્યા, અફરાતફરી મચી

  • January 09, 2026 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)નો આજથી સુરતમાં પ્રારંભ થયો છે. આજે ઓપનિંગ સેરેમની માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા. બાદમાં ઉદ્યોગપતિના ઘરે ગયા હતા જ્યાં ફેન્સ તેમને જોવા માટે બેકાબૂ થયા હતા અને સેલ્ફી લેવા પડાપડી કરી હતી. અમિતાભ બચ્ચનને ફેન્સની ધક્કા મુક્કીમાંથી માંડ માંડ બચાવાયા હતા. 


આ ઉપરાંત સાઉથના સુપરસ્ટાર સુર્યા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિતના બોલિવૂડ સ્ટાર સુરત પહોંચ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટથી સીધા સુરતના ઉદ્યોગપતિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બેકાબૂ ભીડે રેસીડેન્સીનો પ્રવેશ કરવાનો મેઈન કાચનો દરવાજો તોડી નાખ્યો હતો.


સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સિઝન-3નો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારા હાઈ-ઓક્ટેન ટેનિસ-બોલ T-10 ક્રિકેટ લીગમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના મહાનુભાવોની હાજરી જોવા મળશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, સચિન અને સૂર્યા સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ચાહકોએ તસવીર લેવા પડાપડી કરી હતી. આ સાથે હોટલમાં પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં 200 ડાન્સરનું પર્ફોર્મન્સ અને અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી હોસ્ટિંગ કરશે. જેમાં અક્ષય કુમાર હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રી કરશે.


અમિતાભ બચ્ચન સુરત પહોંચ્યા બાદ સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહના ઘરે પહોંચ્યા હતા. ઉદ્યોગપતિ સુનિલ શાહનું અડાજણ વિસ્તારમાં કાસારિવેરા રેસીડેન્સીમાં ઘર આવેલું છે. ઉદ્યોગપતિ સુનિલ શાહનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે પણ અમિતાભ બચ્ચન તેના ઘરમાં પ્રવેશ કરે ત્યારબાદ તે રહેવા જવાના છે. જેથી આજે અમિતાભ બચ્ચનને પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.


બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અડાજણ વિસ્તારમાં કાસારિવેરા રેસીડેન્સી ખાતે આવવાના હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. પબ્લિક નિયંત્રણની બહાર જતા ભારે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. આ દરમિયાન રેસીડેન્સીનો પ્રવેશ કરવાનો મેઈન કાચનો દરવાજો પણ તૂટી ગયો હતો. મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી ભીડને કાબૂમાં લેતા પોલીસને પણ પરસેવો પડી ગયો હતો. બારેજા બાદ અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application