ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની અનિયમિતતા અને લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે ખેતીની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. અગાઉ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં નહિવત વરસાદને કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી હતી, ત્યારે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ પાણીની ભયંકર અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોનો ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક નષ્ટ થવાથી અન્નદાતાઓની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે જોરદાર માંગ કરવામાં આવી છે.
વરસાદના અભાવે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો સમક્ષ મોટું સંકટ ઊભું થયું છે, જેને લઈને નીચે મુજબની મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે ખાસ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવો સુરુ ઉઠ્યો છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વિશેષ સર્વે હાથ ધરીને પ્રભાવિત વિસ્તારો માટે વિશેષ આર્થિક સહાય પેકેજ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.
ઉપરાંત ખેડૂતોની ચાલુ વર્ષની કૃષિ લોનનું વ્યાજ માફ કરવામાં આવે અને લોન તથા વીજળી બિલની વસૂલાત હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે.
મૂગા પશુધનનો જીવ બચાવવા માટે ગ્રામ્ય સ્તરે વિનામૂલ્યે ઘાસારાના ડેપો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.ભૂગર્ભ જળ ઊંડા જવાના કારણે ઊભી થયેલી પાણીની વિકટ સમસ્યા નિવારવા માટે ટેન્કરો દ્વારા નિયમિત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે.
મનરેગા યોજના અને આર્થિક વળતર તેમજ ખેતમજૂરોનું મોટા પાયે થતું સ્થળાંતર અટકાવવા માટે મનરેગા યોજના હેઠળ રોજગારીના કામો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા જોઈએ. ઉપરાંત, હેક્ટર દીઠ ઓછામાં ઓછું ૫૦ હજાર રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે જેથી ખેડૂતો પોતાનું અને પરિવારનું જીવનનિર્વાહ સન્માનપૂર્વક ચલાવી શકે.
થોડા દિવસો અગાઉ જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પણ બિલકુલ વરસાદ ન થવાને કારણે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠી હતી. સર્વે મુજબ માંડ ૨૫ ટકા જેટલો જ પાક બચ્યો છે અને સિંચાઈ માટેની સૌની યોજનાનું પાણી પણ સમયસર છોડવામાં આવતું નથી. આ તમામ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે વિલંબ કર્યા વિના સત્વરે નક્કર પગલાં લેવા અનિવાર્ય બન્યું છે.